ભરૂચમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા
રતન તળાવ નજીક પ્લાસ્ટિકની કોથળી સાથે બટાકા અને ચણા બાફવા સાથે તેલ પણ શંકાસ્પદ મળતા કાર્યવાહી
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાં જ ઘણી ખાણીપીણીની લારી ઉપર ગંદકીના સામ્રાજ્ય જોવા મળતા હોય છે.પરંતુ ખરેખર પાણીપુરીના સ્વાદ પ્રેમીઓની પાણીપુરી કેવી જગ્યાએ તૈયાર થાય છે,કેટલી સ્વચ્છતા છે તેવા સવાલો વચ્ચે ભરૂચના ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શહેરના રતન તળાવ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવતા અધિકારીઓને પણ ચોકાવનારા દ્રશ્ય જોવા મળ્યા હતા અને પાણીપુરીમાં વપરાતા બટાકાના માવા,પાણી,તેલ સહીત ચટણીનો નાશ કરવાની ફરજ પડી હતી.
ખાણીપીણીની લારીઓ ઉપર માખી – મચ્છરોના ઉપદ્રવ વચ્ચે વાનગીઓ તૈયાર થતી હોય છે.જેના કારણે રોગચાળો ફાટી નીકળતો હોય છે અને ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ બીમારીના દર્દીઓ મળી આવતા ભરૂચના ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ વિવિધ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં ભરૂચ શહેરના રતન તળાવ વિસ્તારમાં જ્યાં પાણીપુરીની ચીજ વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે
ત્યાં અત્યંત ગંદકીના સામ્રાજ્ય વચ્ચે બટાકાના માવાથી માંડી વારંવાર વાપરવામાં આવતા તેલ,બટાકા અને ચણાને પ્લાસ્ટિકની કોથળીમાં જ બાફવામાં આવતા હોવાના ચોકાવનારા દ્રશ્યો અધિકારીઓ જોઈને ચોંકી ઉઠયા હતા અને તમામ બટાકાનો માવો,ચણા,પાણી અને તેલ સહીતની સામગ્રીઓનો સ્થળ ઉપર જ નિકાલ કરાયો હતો.
પાણીપુરીના સંચાલકો પોતાના ઘરોમાં જ્યાં પાણીપુરી તૈયાર કરે છે ત્યાં સ્વચ્છતાના પણ ધજાગરા ઉડયા હતા.અત્યંત ગંદકીના સામ્રાજ્ય અને લોખંડના પતરા ઉપર ચીપકેલી ગંદકીના દ્રશ્યો જોઈ અધિકારીઓએ સ્થળ ઉપર કાર્યવાહી કરી હતી.પાણીના તથા તેલના સેમ્પલોની ચકાસણી કરવા સાથે કાર્યવાહી પણ કરી છે.પરંતુ ભરૂચમાં પાણીપુરી કેટલી સ્વચ્છતામાં બનાવવામાં આવે છે તે પણ પાણીપુરીના સ્વાદ પ્રેમીઓએ જાણવું જરૂરી છે.
શહેરના રતન તળાવ વિસ્તારમાં જ્યાં પાણીપુરી તૈયાર થાય છે ત્યાં પણ જે લોકો પરપ્રાંતિયો રહે છે તેમના ભાડા કરાર કરાયા છે કે કેમ? પાણીપુરીમાં ક્યાં પાણીનો ઉપયોગ કરે છે? જેવા અનેક પ્રશ્નો પણ પોલીસ માટે તપાસનો વિષય બની ગયો છે.પરપ્રાંતિયોએ અધિકારીઓ સામે દાદાગીરી કરતા અધિકારીઓએ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
ભરૂચ જિલ્લામાં ઘણી ખાણીપીણીની લારીઓ અને રેસ્ટોરન્ટો ચાલે છે અને ગંદકીના સામ્રાજ્ય વચ્ચે વાનગીઓ તૈયાર કરતા હોય છે.પરંતુ ઘણા પાણીપુરી સંચાલકોથી માંડી અન્ય લારીવાળાઓ પાસે ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના લાયસન્સો પણ મેળવ્યા નથી અને સૌથી વધારે પાણીપુરી વાળા ગંદકીના સામ્રાજ્ય વચ્ચે પાણીપુરી તૈયાર કરતા હોય જેને લઈ ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાના ક્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી અશોક રાઠવાએ જણાવ્યું હતું અને ચેકીંગ ચાલુ રહેશે અને કોઈ ફરિયાદ હોય તો વિભાગને આપવા જનતાને અપીલ કરી હતી.
ભરૂચના ઘણા સ્લમ વિસ્તારોમાં પાણીપુરીના પરપ્રાંતીઓને મકાનો ભાડેથી આપી દેવામાં આવે છે અને અત્યંત ગંદકીના સામ્રાજ્ય વચ્ચે પાણીપુરી તૈયાર થતી હોય છે.જોકે ભાડા કરાર વીના રહેતા પાણીપુરીવાળાઓ સામે કાર્યવાહી કરવાની જવાબદારી પોલીસની છે અને રતન તળાવ નજીક પાણીપુરીવાળાથી પોલીસ મથક પણ નજીક છે જેમની પાસે ભાડા કરાર જ ન હોય તો તે ફુડ એન્ડ ડ્રગ્સના લાયસન્સ પણ કેવી રીતે મેળવી શકે તેવા સવાલો પણ ઊભા થઈ છે.