ભરૂચમાં બ્રાઈટ એન્જલ પ્રિ-સ્કૂલ ભૂલકાંઓને શાળાએ બોલાવતા જીવ જોખમમાં
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં કોરોના પોઝિટિવના રોજના ૨૦૦ કેસો સામે આવી રહ્યા છે.ત્યારે શેરપુરા ગામે ચાલતી બ્રાઈટ એન્જલ પ્રિ-સ્કૂલે નાના ભૂલકાંઓને શાળાએ બોલાવી તેમના જીવ જાેખમમાં મુકવાની અતિ ગંભીર બેદરકારી સામે આવી છે.હવે શિક્ષણ અને વહીવટી વિભાગ આ પ્રિ-સ્કૂલના સંચાલકો સામે કઈ કડક કાર્યવાહી કરે છે તે જાેવું રહ્યું.
કોરોનાની ત્રીજી લહેર વચ્ચે ભરૂચ જીલ્લામાં સરેરાશ રોજ ૨૦૦ જેટલા પોઝિટિવ કેસનો બ્લાસ્ટ થઈ રહ્યો છે.મહામારીની ગંભીરતા ધ્યાને લઈ રાજ્ય સરકારે પહેલાથી જ શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ ફરજીયાત કરી શાળાઓ ૩૧ જાન્યુઆરી સુધી બંધ રાખવા ફરમાન કરી દીધું હતું.જાેકે ભરૂચમાં સરકારના ફરમાન અને કોવિડ-૧૯ ના નિયમોની ઐસી તેસી કરી એક શાળાએ ભૂલકાંઓને બોલાવી તેમના જીવ જાેખમમાં મુક્યા હોવાની ગંભીર બેદરકારી સામે આવી છે.
શેરપુરાની બ્રાઈટ એન્જલ પ્રિ-એન્જલ સ્કૂલમાં નાના ભૂલકાઓને બુધવારે બોલાવવામાં આવ્યા હતા.યુનિફ્રોમ, સ્કૂલ બેગ સાથે નાના માસૂમ બાળકો શાળાએ ઉમટી પડ્યા હતા.જેઓને માસ્ક પહેરવાની પણ કલાસરૂમમાં સંચાલકો કે શિક્ષક દ્વારા તકેદારી લેવામાં આવી ન હતી.
કોરોના કેસોની ચિંતાજનક સંખ્યા વચ્ચે શાળામા ભુલકાંઓ બોલાવી જાેખમ ઉભું કરાયાના દ્રશ્યો સામે આવતા શિક્ષણ અને જિલ્લા વહીવટી તંત્ર પણ દોડતું થયું હતું.
વાલીઓએ પણ મહામારી વચ્ચે પોતાના સંતાનોને ક્યાં દાબ દબાણ હેઠળ મોકલ્યા તેવા સવાલો ઉભા થયા છે.જીલ્લા શિક્ષણ વિભાગે શાળા ઉપર ટીમ મોકલી પ્રિ-સ્કૂલના સંચાલકો,શિક્ષકો અને વાલીઓના જવાબ લેવાની કાર્યવાહી હાથધરી છે.જીવ કરતા એવું તો કયું અગત્યનું કામ હતું જેમાં ભૂલકાંઓના જીવની પરવા કર્યા વગર,ગાઈડલાઈન,સરકારી તાકીદ અને નિયમોને નેવે મૂકી સ્કૂલમાં બોલાવવામાં આવ્યા હતા તે સવાલ હવે સૌ કોઈને સતાવી રહ્યો છે.*