ભરૂચમાં મારામારી પ્રકરણમાં વૃદ્ધ વકીલના મૃત્યુના બનાવમાં આરોપીઓની અટકાયત
પેનલ પીએમ બાદ ચાર આરોપીઓ સામે હત્યાની કલમનો ઉમેરો કરાયો હતો.
પરિવારજનોના આક્રોશ અને દલિત સમાજના હોબાળા બાદ પોલીસે ૪૮ કલાકમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચના ભોલાવના સુપર સ્ટોર ઉપર મારામારીની ઘટનામાં ઈજાગ્રસ્તનું દસ દિવસ બાદ મોત નિપજતા મૃતકના પરિવારજનોએ પોલીસ આરોપીઓને છાવરતી હોવાના આક્ષેપ સાથે ભારે હોબાળો મચાવ્યા બાદ પોલીસે બાકીના ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.
ભરૂચ ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલા કચ્છ સુપર સ્ટોર ખાતે અલકનંદા ગેલેક્સી સોસાયટીમાં રહેતા વૃદ્ધ વકીલ જશુભાઈ દયાલભાઈ જાદવ સામગ્રી ખરીદી કરવા અર્થે ગયા હતા.તે દરમ્યાન નારાયણ દર્શન સોસાયટી ખાતે રહેતા દિલુભા શિવસિંહ રણાએ સિનિયર વકીલ જશુભાઈ જાદવનું શર્ટનો કોલર પકડી તેઓને ખેંચી લઈ જઈ મારમારી રહ્યા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.
અને સિનિયર વકીલ જશુભાઈ જાદવને ગંભીર માર મારતા સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું.જેથી પોલીસ ની કામગીરી સામે પરિવારજનો અને દલિત સમાજે ભારે હોબાળો મચાવી આરોપીઓને ઝડપી પાડવા ની માંગણી કરી હતી.
જે બાદ દોડતી થયેલ પોલીસે પ્રથમ એક મુખ્ય આરોપી દિલુભા રણાને ઝડપી પાડ્યો હયો.સમગ્ર ઘટનામાં સીસીટીવી ફૂટેજના આધારે ભરૂચ સી ડિવિઝન પોલીસે માત્ર મારામારી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.પોલીસે સમગ્ર પ્રકરણમાં મૃતકનું પેનલ પીએમ કરી હત્યાની કલમનો ઉમેરો કરી અન્ય ફરાર ત્રણ આરોપીઓ પ્રવિણસિંહ દેવેન્દ્રસિંહ રણા રહે,ઋષિકેશ નગર ભોલાવ ભરૂચ,અજીતસિંહ રણજીતસિંહ રણા
રહે,નારાયણ દર્શન ભોલાવ ભરૂચ અને રાજેન્દ્રસિંહ અજીતસિંહ રણા રહે,ઋષિકેશ નગર ભોલાવ ભરૂચની ધરપકડ કરી તમામના કોરોના ટેસ્ટ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આમ વૃદ્ધ વકીલની હત્યા ના બનાવ માં ભારે હોબાળા બાદ અંતે પોલીસ ના હાથે તમામ ચાર આરોપીઓ ઝડપાઈ જતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.