ભરૂચમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત સખી મીઠાઈને ફરસાણ સ્ટોલનો પાલિકા પ્રમુખના હસ્તે શુભારંભ
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ગુજરાત સરકારે રાજ્યની મહિલાઓ નાની-મોટી આર્થિક પ્રવૃત્તિઓ કરીને પગભર થઈને આજીવિકા રળીને સ્વયંને તથા તેના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે તે હેતુસર મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના લાગુ કરવામાં આવી હતી.આ યોજના અંતર્ગત સખી મંડળને રૂપિયા ૧ લાખની લોન ઝીરો ટકાના વ્યાજે આપવાનું આયોજન છે.
દરેક જીલ્લાઓમાં આવેલા સખી મંડળની બહેનોને ઝીરો ટકા વ્યાજે બેંકો સાથે થયેલા એમઓયુ થકી લોન લઈને પોતાના મંડળની મહિલાઓને આર્થિક દ્રષ્ટિએ આત્મનિર્ભર કરી રહી છે.જેના ભાગરૂપે ભરૂચ શહેરમાં બહાદુર બુરજ વિસ્તારમાં ૪ વર્ષથી કાર્યરત સખી મંડળ દ્વારા પણ મંડળની બહેનોને પગભર કરવા અનેક કર્યો કરવામાં આવે છે.
ભરૂચ નગર પાલિકાના પ્રયત્નોથી આગામી દિવસોમાં દિવાળી અને નવાવર્ષના પર્વમાં આ સખી મંડળની બહેનોએ પાંચબત્તી ખાતે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ સખી મીઠાઈ અને નમકીનના રાહત દરનો સ્ટોલ ચાલુ કરવામાં આવ્યો છે.આ સ્ટોલનો સોમવારના રોજ નગર પાલિકાના પ્રમુખ સુરભીબેનતમાકુવાલા,કારોબારી ચેરમેન નરેશ સુથારવાલા અને સમાજ સંગઠક કલ્પના ઉપાધ્યાયના વરદ હસ્તે શુભારંભ કરાયો હતો.
આ પ્રસંગે મંડળના આગેવાન જીજ્ઞસા ગોસ્વામી, કિન્નરી બારોટ અને નીમા દાનાએ વાતચીતમાં જણાવ્યું હતું કે અમારા મંડળની બહેનો મીઠાઈ અને નમકીન માંથી જે અવાક થશે તેનાથી પગભર થઈને તેમના પરિવાર સાથે દિવાળી પર્વની ઉત્સાહ ભેર ઉજવણી કરનાર છે.