ભરૂચમાં મુસ્લિમ પરિવારે આદિવાસી મહિલાની પુત્રીનું ઓપરેશન કરાવી માનવતાની મહેક પ્રસરાવી
(પ્રતિનિધિ) ભરૂચ, સમગ્ર દેશ માં લઘુમતી સમાજ પર અત્યાચાર અને મોબ લીંચિંગ ની ફરીયાદો કરાઈ રહી છે ત્યારે ભરૂચ ના એક મુસ્લિમ પરિવારે ઘરકામ કરતી આદિવાસી મહિલા ની પુત્રી ના ગળા માં થયેલ ગાંઠ નું ઓપરેશન કરાવી માનવતા ની મહેક પ્રસરાવી છે.
ભરૂચ ની નુરાની સોસાયટી માં રહેતા રેહનાબેન મલેક ને ત્યાં છેલ્લા ૧૨ વર્ષ થી શીલાબેન વસાવા ઘરકામ કરી રહ્યા છે.તેમજ તેમના પતિ રાજેશભાઈ મજૂરી કામ કરતા હતા જેઓ નું દોઢ વર્ષ પૂર્વે મોત થતા પરિવાર ની તમામ જવાબદારી શીલાબેન પર આવી પડી છે.શીલાબેન ની દીકરી સુનિતા ને જન્મ થી ગળા ના ભાગે ગાંઠ જેવું હતું.જે સમય વીતવા સાથે મોટી થતા સ્વાસ્થ્ય માટે જોખમરૂપ બની રહી હતી અને તાત્કાલિક ઓપરેશન કરવાની જરૂરિયાત ઉભી થઈ હતી.ગરીબ શીલાબેન માટે ઓપરેશનનો ખર્ચ કરવો અશક્ય લાગતા મૂંઝવણ અનુભવી રહ્યા હતા. આ વાત ની જાણ રેહનાબેન ને થતા તેઓ એ ઓપરેશન ની તમામ જવાબદારી ઉઠાવી ખાનગી હોસ્પીટલ માં સુનિતાનું ઓપરેશન કરાવવા સાથે તેમની સાથે એક પરિવારજન ની જેમ રહ્યા હતા.
ઓપરેશન સફળ રહેતા સુનિતાની તબિયત માં પણ સુધાર થતા રેહનાબેન તેમજ પરિવારજનો માં ખુશી જોવા મળી રહી છે. શીલાબેન ને ઓપરેશન પૂર્વે તે માટે ના રિપોર્ટ અને કન્સલ્ટશન માટે સહાયરૂપ થનાર હેમેન્દ્ર કોઠીવાલા પણ આ માનવતા ભર્યા કાર્ય થી અભિભૂત થઈ ગયા હતા. એક તરફ ધર્મ અને નાતજાત ના નામે વેરઝેર પ્રસરાવવામાં આવી રહ્યું છે ત્યારે ભરૂચના આ કિસ્સામાં માનવતા મહેકી રહી છે.જે બીજા માટે પણ પ્રેરણારૂપ છે.*