ભરૂચમાં રિક્ષાચાલકોએ પડતી અગવડના પગલે પાલિકા ગજવી

નગરપાલિકાના પ્રમુખ અને ધારાસભ્યની હાય હાય બોલાવી: છેલ્લા આઠ મહિનાથી રિક્ષાચાલકોની માંગ પૂરી ન થતાં રિક્ષાચાલકો ઉગ્ર આંદોલનના મૂડમાં
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જિલ્લામાં રિક્ષાચાલકોને હેરાનગતિ થતી હોવાના આક્ષેપ સાથે વારંવાર રિક્ષાચાલકો નગરપાલિકા ગજવી મૂકતા હોય છે.પરંતુ ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ રિક્ષાચાલકોની રજુઆત સાંભળતા નથી.
જેના પગલે રિક્ષાચાલકોએ દારૂ વેચવા માટે ગુમાસ્તાધારાનું લાયસન્સ ઈસ્યુ કરવાની માંગ સાથે રમકડાની રીક્ષાઓ નગરપાલિકાને અર્પણ કરી તેઓની સમસ્યાનો અંત લાવવાની માંગ ઉઠાવી છે.
ભરૂચ શહેરમાં નગરપાલિકા દ્વારા સિટી બસ કાર્યરત કરાતા રિક્ષાચાલકો બેરોજગાર બની રહેવાના સાથે છેલ્લા ઘણા સમયથી રિક્ષાચાલકો પોતાની પડતર માંગણીઓને લઈ આંદોલન કરી રહ્યા છે.
જેથી ભરૂચના રિક્ષાચાલકોએ જય ભારત ઓટો રીક્ષા એસોસિએશનના ઓથા હેઠળ ભરૂચ નગર પાલિકા સંકુલમાં રીક્ષાઓનો ખડકલો કર્યો હતો અને ભરૂચ નગર પાલિકા સંકુલમાં જ રિક્ષાચાલકોએ ધારાસભ્ય અને ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા અને ભાજપની હાય-હાયના નારા લગાવી વાતાવરણ ગજવી મુક્યું હતું.
ભરૂચમાં રિક્ષાચાલકોએ પોતાની પડતર માંગણીઓને લઈ રમકડાની રીક્ષાઓ ભરૂચ નગરપાલિકાના સેક્રેટરી કલ્પનાબેન ઉપાધ્યાયને અર્પણ કરી તેઓની સમસ્યા નો લાવવાની માંગ કરી હતી.દસ દિવસમાં અંત નહીં આવે તો આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
સાથે જ રિક્ષાચાલક એસોસિએશનના પ્રમુખે ભરૂચ નગરપાલિકા તમામ રિક્ષાચાલકોને દારૂ વેચવા માટે ગુમાસ્તાધારા લાયસન્સ ઈસ્યુ કરે તેવી માંગ સાથે આંદોલનને આગામી દિવસોમાં ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી હતી.