ભરૂચમાં રીક્ષા સ્ટેન્ડની માંગણી સાથે રીક્ષા એસીસીએશનની કલેક્ટરને રજુઆત
શહેરના વિવિધ રીક્ષા સ્ટેન્ડ ઉપર રિક્ષા મૂકવા બાબતે પણ પોલીસને હેરાનગતિ થતી હોવાના રીક્ષા એસોસિએશનના આક્ષેપ.
(વિરલ રાણા) ભરૂચ,
ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક વસાહતોમાં દિનપ્રતિદિન એકમોમાં વધારા સાથે જન સંખ્યામાં વધારાની સાથે વાહનોમાં પણ વધારો નોંધવા પામ્યો છે.તો બીજી તરફ શહેરના માર્ગો પણ સાંકડા હોવાના કારણે ટ્રાફિકજામની સમસ્યા રહેલી છે.ત્યારે રીક્ષા ઉભી રાખવા બાબતે પોલીસની હેરાનગતિ થતી હોવાના આક્ષેપ સાથે જય ભારત ઓટો રીક્ષા એસોશીએશન દ્વારા રીક્ષા સ્ટેન્ડ ફાળવવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.
ભરૂચ – અંકલેશ્વર શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.જેની સામે મુખ્ય માર્ગો સાંકળા હોવા સાથે ગેરકાયદેસર પાર્કિગ સહીત શહેરના માર્ગો સાંકડા હોવાના કારણે ટ્રાફિકજામ જેવા દ્રશ્ય હવે શહેરમાં અવારનવાર સામે આવતા પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક કંટ્રોલ કરવા વાહનચાલકો સહિત રિક્ષાઓને દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જેમાં ભરૂચના સ્ટેશન સર્કલ,પાંચબતી સર્કલ,મોહંમદપુરા,શક્તિનાથ સહિતના મુખ્ય માર્ગો પર રીક્ષા ચાલકો રોજી મેળવા રિક્ષા ઊભી રાખી પેસેન્જરોને બેસાડતા ઘણી વખત રીક્ષાચાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા રીક્ષા એસોશીએશન દ્વારા બુધવારના રોજ ભરૂચ કલેકટરને રીક્ષા સ્ટેન્ડ ફાળવવા રજૂઆત સાથે આક્ષેપ કરી રોષ વ્યકત કરતા જણાવ્યું હતું કે ૮૨ જેટલા ઓટો રીક્ષા સ્ટેન્ડની વારંવાર માંગણી કરવા છતાં પણ જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા ઓટો રીક્ષા સ્ટેન્ડ ફાળવવામાં આવ્યા નથી.
પરિણામે ગરીબ ઓટો રિક્ષા ચાલકો અને ટ્રાફિક પોલીસ વચ્ચે પાર્કિંગ બાબતે વારવાર ઘર્ષણના દ્રશ્ય સર્જાતાં હોય છે.જેનું મુખ્ય કારણ નગરપાલિકા દ્વારા રીક્ષા ચાલકો માટે સ્ટેન્ડ ન ફાળવાતા રીક્ષા ચાલકોની હાલત જાયે તો જાયે કહાં જેવી હાલત થતા વહેલી તકે તંત્ર રિક્ષાચાલકોને સ્ટેન્ડની ફાળવણી કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભરૂચ શહેરના માર્ગો સાંકડા હોય અને આડેધડ બાંધકામ થતા શોપિંગ કે કોમ્પ્લેક્ષોના પાર્કિંગ પણ ન હોય જેના કારણે ટ્રાફિકજામ ની સમસ્યા સર્જાઈ છે.ત્યારે રીક્ષા ચાલકોને વહેલી તકે સ્ટેન્ડની ફાળવણી કરવામાં આવે તે જરૂરી છે.જેથી ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ સાથે પોલીસ ઘર્ષણ પણ ન સર્જાય.