ભરૂચમાં વસતા ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત રીતે કાજરા ચોથની ઉજવણી
(વિરલ રાણા) ભરૂચ,ભરૂચમાં વસતા ક્ષત્રિય સમાજ શ્રાવણ વદ ચોથના દિવસે પરંપરાગત રીતે કાજરા ચોથની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે ક્ષત્રિય સમાજ દ્વારા શહેરના સિંધવાઈ માતાજીના મંદિર ખાતેથી હિંગળાજ માતાજીની ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી હતી.જેમાં સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ પર્વની ઉજવણીના ભાગ રૂપે સમાજના દરેક ઘરમાં શ્રાવણ સુદ અગિયારસના દિવસથી માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવે છે અને શ્રાવણ વદ ચોથના દિવસે એક બાજટ ઉપર માતાજીને બેસાડીને તેમને ચુંદડી ઓઢાડવામાં આવી હતી.સૌ જ્ઞાતિજનો કાજરાના પ્રતીક સાથે સિંધવાઈ માતાના મંદિરે ઉમટી પડયા હતા.
જયારે પૂજન અર્ચન બાદ સિંધવાઇ મંદિરથી માતાજીની શોભાયાત્રા નીકળી હતી.જે કબીરપુરા હિંગલાજ માતાના મંદિરે પહોંચ્યા બાદ આ કાજરાને રમાડવામાં આવ્યા હતા.તેમજ જ્ઞાતિજનોના તમામ ઘરે કાજરાને નમન કરાવીને વિધિવત રીતે નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યુ હતુ.કાજરા ચોથના પવિત્ર પ્રસંગે ખત્રી ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને સમાજની સ્ત્રીઓએ પણ ઉપવાસ કરીને શ્રદ્ધાભેર કાજરા ચોથની ઉજવણી કરી હતી.