ભરૂચમાં શ્રાવણી અમાસથી લોકોની દશા સુધારનાર દશામાંની સ્થાપના કરવામાં આવી
ભરૂચ શહેર અને જીલ્લામાં પાંચ હજાર થી વધુ દશામાંની સ્થાપના સાથે વ્રત નો પ્રારંભ : વિસર્જન માટે તંત્ર વૈકલ્પિક વ્યવસ્થા કરે તેવી માંગ
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: સોમવતી અમાસ સાથે ભરૂચ માં દશામાં ની સ્થાપના કરવામાં આવી હતી.ત્યારે દશામાંની મૂર્તિઓના વિસર્જન માટે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે.
સોમવતી અમાસના દિવસે ભરૂચ માંથી પસાર થતી નર્મદા નદીમાં ભરતીની આવક થતા નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળતી હતી.તો કેટલાક ભક્તો નર્મદા નદી માં સ્નાન કરવા માટે ઉમટી પડ્યા હતા અને આજ થી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા સાથે દશામાં ના વ્રતનો પણ પ્રારંભ થયો હતો.ત્યારે ગતરોજ મોડી સાંજ સુધી મૂર્તિની ખરીદી અને પૂજાપા માટે લોકોની ભારે ભીડ જામી હતી.જેના પગલે ભરૂચ જીલ્લા વહીવટી તંત્રના જાહેરનામા ના ધજાગરા ઉડતા ફોટા અને વિડીયો વાયરલ થયા હતા.ત્યારે ભરૂચ માં કોરોના નું સંક્રમણ વધુ ફેલાઈ તો નવાઈ નહિ.
ત્યારે વહેલી સવાર થી જ ભક્તોએ માતાજીની ધાર્મિક પૂજા અર્ચના કરવા સાથે દશામાંની સ્થાપના કરી વ્રતનો પ્રારંભ કર્યો હતો અને દશ દિવસ માતાજી ની ભક્તિ માં લીન બની જશે અને માતાજીની પૂજા અર્ચના કરી દશ દિવસ બાદ વિસર્જન કરવામાં આવશે.ત્યારે તાજેતર માં ચાલી રહેલી કોરોના વાયરસ ની મહામારી માં ઝાડેશ્વરના નીલકંઠેશ્વર નર્મદા ઓવારે માતાજી ની મૂર્તિ નું વિસર્જન નહિ કરી શકાય તેવા બોર્ડ મંદિરની બહાર લાગતા ભક્તો મૂંઝવણ માં મુકાયા છે.ત્યારે મૂર્તિઓ ના વિસર્જન માટે ભરૂચ ના વહીવટી તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા અથવા જળકુંડ બનાવામાં આવે તેવી ભક્તો દ્વારા માંગ ઉઠવા પામી છે.