ભરૂચમાં ૧૦ રુપિયા માટે યુવકે પાડોશીની હત્યા કરી
ભરૂચ, ભરૂચના મક્તમપુર બોરભાઠા બેટ વિસ્તારમાં માત્ર ૧૦ રૂપિયા માટે એક યુવકની હત્યાની ઘટના સામે આવી છે. જે બાદ આખા પંથકમાં સનસનાટી ફેલાઇ ગઇ છે. મૃતક યુવાને તેની પાડોશમાં જ રહેતા વ્યકિતને ૧૦ રૂપિયા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા પાડોશીએ ધારિયાનો ઘા મારી હત્યા કરી નાંખી હતી.
હત્યા બાદ ગામના લોકોનાં ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા. હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. બાદમાં પોલીસને જાણ થતા તે ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે હત્યારાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, ભરૂચના મકતમપૂર બોરભાઠા બેટ વિસ્તારમાં આવેલા ટેકરા ફળિયામાં ૪૫ વર્ષીય સતપાલસિંગ રાઠોડ રહેતા હતા. તેઓ મંગળવારની સવારના સમયે તેમના ઘર પાસે આવેલા ઝાડ પાસે બેઠા હતા.
આ દરમ્યાન તેમની પાડોશમાં રહેતા દેવન વસાવાએ તેમને માથામાં ધારિયાના ઘા મારી દેતા તેઓ લોહી લુહાણ થઈ ઢળી પડ્યા હતા. સ્થાનિકોએ સતપાલને બચાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ આ દરમ્યાન તેને આરોપીએ તેને એક બાદ એક ઘા મારતા તે બેભાન થયા હતા. જે બાદ આરોપી દેવન વસાવા લોકોને પણ ભય બતાવીને ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યો હતો. સતપાલને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પટિલ લઇ જવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબે સતપાલને મૃત જાહેર કર્યો હતો.
આ કેસમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી દેવેને મૃતક સતપાલ પાસે ૧૦ રૂપિયા માંગ્યા હતા. પરંતુ મૃતકે આરોપીને ૧૦ રુપિયા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. જેથી આરોપીએ ગુસ્સામાં આવીને મૃતક સતપાલ પર ઘાતકી હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ભરૂચની સી ડવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. સાથે જ પોલીસે આરોપી દેવન વસાવા સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.SSS