ભરૂચમાં ૨૦ કાગડાના શંકાસ્પદ મોત બાદ પશુપાલન વિભાગે કાંઠાના વિસ્તાર તેમજ ચિકન શોપનો સર્વે કર્યો
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ શહેરમાં બર્ડફ્લૂની દહેશત વચ્ચે તંત્રની શહેરમાં સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભરૂચના વેજલપુર સ્થિત બામણિયા ઓવારે ગતરોજ ૨૦ થી વધુ કાગડાઓ મૃત્યુ પામતા પશુ ચિકિત્સક દ્વારા મૃત કાગડાઓ એકત્રિત કરી પરીક્ષણ માટે પુના મોકલવામાં આવ્યા છે.જેના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.
ત્યારે પશુ ચિકિત્સકની ટીમ દ્વારા નર્મદા નદીના કાંઠાના વિસ્તાર તેમજ ચિકન શોપ અને મરઘા કેન્દ્રો પર સર્વેની કામગીરી હાથધરી સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.અત્રેએ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે ગતરોજ ૨૦ થી વધુ કાગડાઓના શંકાસ્પદ મોત થયા છે.જેના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે તેમજ અત્યાર સુધી ભરૂચ જીલ્લામાં એક પણ બર્ડફલૂ નો કેસ નોંધાયો નથી તેમ છતાં પશુપાલન વિભાગ દ્વારા તકેદારી ના ભાગરૂપે સર્વે હાથધરવામાં આવી રહ્યો છે.