ભરૂચ જિલ્લામાંથી કરજણ તાલુકામાં પ્રવેશના તમામ રસ્તા બંધ કરવામાં આવ્યા
જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓ એ તમામ 8 ગામોની મુલાકાત લીધી..-આરોગ્ય વિભાગની 57 ટીમો એ બફર ઝોન ના ગામોમાં આરોગ્ય સર્વેક્ષણ હાથ ધર્યું…
વડોદરા, જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે ભરૂચ જિલ્લાના ઇખર ગામે કોરોના પોઝિટિવ કેસો મળવાની ઘટનાના અનુસંધાને ,આ ગામ થી સાત કિલોમીટર ત્રિજ્યા માં આવેલા કરજણ તાલુકાના 8 ગામોને કોર એરિયા જાહેર કરીને અવર જવરની મનાઈ સહિત નિયંત્રણો મૂક્યા છે. તેમણે જિલ્લા પોલીસ તંત્ર અને કરજણ તાલુકા પ્રશાસન ને ઉપરોક્ત બફર ઝોન ના ગામોમાં પ્રવેશ નિયંત્રણ સહિત તમામ નિયમનો નું કડક પાલન કરાવવાની સૂચના આપી છે.
તેના અનુસંધાને પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ભરૂચ જિલ્લામાં થી કરજણ તાલુકાના સંબંધિત 8 ગામોમાં અને તાલુકામાં પ્રવેશના તમામ રસ્તા બંધ કરી ચેકપોસ્ટ મૂકી દીધી છે.ચેકપોસ્ટ ખાતે પ્રવેશ નિયંત્રણ નો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે અને પસાર થતાં વાહનો,વ્યક્તિઓના નામ સરનામા,વાહન નંબર નોંધવામાં આવી રહ્યા છે.
જિલ્લા કલેકટરશ્રી ની સૂચના ના અનુસંધાને જિલ્લા પોલીસ વડા સુધીર કુમાર દેસાઈ,કરજણના મામલતદાર અને પોલીસ તેમજ વહીવટી તંત્રના અધિકારીઓએ વિવિધ ટીમો માં વલણ,સાંસરોદ,માંકન,મેશ્રાડ, ધામનજા,માંગરોળ,દેથાણ અને સાંપા ગામોની મુલાકાત લઇને જાહેરનામા માં ફરમાવેલી મનાઈ અને નિયંત્રણો ની જાણકારી આપવાની સાથે તેના કડક અમલનો અનુરોધ કર્યો હતો.
દરમિયાનમાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આ 8 ગામોની 29 હજાર કરતાં વધુ વસ્તીનું 6 તબીબોના નેતૃત્વ હેઠળની 57ટીમો દ્વારા બીજીવાર સઘન આરોગ્ય સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. આજે 18771 લોકોનું આરોગ્ય સર્વેક્ષણ પૂરું કરવામાં આવ્યું જે દરમિયાન કોરોના પોઝિટિવ ના ક્લોજ કોન્ટેક્ટ વાળા કે સેમ્પલ લેવા પાત્ર કોઈ કેસ મળ્યો નથી.લોકોને વારંવાર સાબુથી હાથ ધોવા સહિત પાળવા યોગ્ય તકેદારીઓ નું આરોગ્ય શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.