ભરૂચ જીલ્લાના ખેડૂતોના માથે વધુ એક આફતના એંધાણ

વડદલા પંથકમાં તીડનો આંતક વધતા વૃક્ષોના પાંદડાનું ભોજન કરી જતા ગ્રીન બેલ્ટને અસર.
ગામોમાં રહેલા બગીચાના ફૂલ – ઝાડ બળી ગયા : આવનાર સમયમાં ખેતીને નુકશાન થાય તેવી શક્યતા.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના દહેજ ઔદ્યોગિક વસાહત નજીક આવેલા વડદલા સહિત આસપાસના વિસ્તારમાં તીડના ઝુંડ ઉતરી પડતા ખેડૂતોના માથે વધુ એક આફતના એંધાણ વર્તાઈ રહ્યા છે.
છેલ્લા કેટલાક દિવસો થી વાગરા પંથકના દહેજ સ્થિત આવેલા વડદલા ગામની વનસ્પતિ સૃષ્ટિ પર રસાયણિક વાયુ કે અન્ય આફત ઉતરી છે.જેના પગલે વડદલા ગામની હળીયાળી નષ્ટ થઈ ગઈ છે. તે અંગે હજુ કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી ત્યાં તો હવે તીડ ના ઝુંડ આ વિસ્તારમાં કેટલાક દિવસો થી દેખાતા ચિંતા પ્રસરી જવા પામી છે.હાલ તો આ તીડ ના ઝુંડ કેટલીક કંપનીઓની આસપાસ વધુ જોવા મળી રહ્યા છે.
જ્યાં આ તીડ મોટા મોટા વૃક્ષોના પાંદડાને ખોરાક બનાવતા વૃક્ષો બોડ થઈ ગયા છે.વૃક્ષો પર આ તીડના ઝુંડ તૂટી પડતા ગણતરીના સમય માં જ ઘટાદાર વૃક્ષ બોડા થઈ જાય છે.આવા કેટલાએ વૃક્ષો તીડના નિશાન બનતા ગ્રામજનો ચિંતાતુર બન્યા છે.હાલ તો આ તીડના ઝુંડ મોટા વૃક્ષોને નિશાન બનાવી રહ્યા છે પણ તે બાદ આગળ જતાં ખેતરો પર પણ આક્રમણ કરે તો તીડના આતંક થી પાક સફાચટ થઈ જતા ધરતી પુત્રોને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવે તેમ છે.
કોરોના થી બે વર્ષ થી આર્થિક રીતે પાયમાલ થઈ ગયેલા ધરતીપુત્રો અજાણ્યા રસાયણ વાયરસ થી પરેશાન થઈ તંત્રને રજૂઆતો કરી રહ્યા છે તેવા સમયે તીડ રૂપી વધુ એક આફત ના એંધાણ થી ગામના સરપંચ દિપકસિંહ ચાવડા સહિત સૌ ખેડૂતો ચિંતામાં મુકાયા છે.જેથી તેઓ એ તંત્ર તેનું વહેલી તકે નિરાકરણ લાવે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.
તંત્ર તીડનો આંતક વ્યાપક બને તે પૂર્વે તેના નિયંત્રણ માટે સતર્ક બની આવશ્યક કાર્યવાહી કરે તો સાચા અર્થ માં કિસાન સન્માન દિનની ઉજવણી થઈ હોય તેમ ગણાય શકાય.