ભરૂચ જીલ્લાના વાગરા ખાતે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિનની દબદબાભેર ઉજવણી થઈ

વિવિધક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કર્તાઓનું સન્માન,શ્રેષ્ઠ ટેબ્લો – શ્રેષ્ઠ સાંસ્કૃત્તિક કૃત્તિઓ – શ્રેષ્ઠ પ્લાટુનને ઈનામો એનાયત થયા.
ભરૂચ: ભરૂચ જિલ્લાના વાગરા ખાતે જિલ્લાકક્ષાના ૭૧ માં પ્રજાસત્તાક દિન નિમિત્તે જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાએ રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ ઉપસ્થિત સૌને પ્રજાજોગ સંદેશમાં દેશ અને રાજ્યના વિકાસમાં સહિયારો પ્રયાસ કરવા જણાવ્યું હતું. તેમણે પ્રજાસત્તાક પર્વ ઉજવણી અવસરે ભારતના સ્વાતંત્રતાની આહલેક જગાડનાર આઝાદીના લડવૈયાઓને યાદ કરી, ૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦ એ ભારતનું બંધારણ અમલમાં મુકાયું. લોકશાહી દેશમાં પ્રજાને સર્વોપર ગણી તે મહાન દિવસની યાદમાં ૨૬ મી જાન્યુઆરી ઉજવાય છે ત્યારે આ બંધારણના ઘડવૈયા એવા બાબા સાહેબ આંબેડકરને યાદ કરી, મા ભોમની રખેવાળી કરતાં શહિદી માટે તત્પર એવા બહાદુર સૈનિકોને અને પોલીસ જવાનોને યાદ કરી સ્વતંત્રવીરોને શ્રધ્ધાંજલિ અર્પી હતી.
આ પ્રસંગે કલેક્ટરે જણાવ્યું હતું કે ગુજરાતે વિકાસના તમામ ક્ષેત્રોમાં અનેક સિધ્ધિઓ હાંસલ કરી છે. સાથો સાથ વિકાસના તમામ આયાયોમાં ભરૂચ જિલ્લાએ નોંધપાત્ર પ્રગતિ કરી છે.ભરપૂર કુદરતી સંપદાઓથી વરેલો ભરૂચ જિલ્લો નાવિન્યપૂર્ણ વૈવિધ્ય ધરાવે છે.વન અને સમુદ્ર બંનેએ ભરૂચ જિલ્લાને મન મૂકીને સમૃધ્ધ બનાવ્યો છે.ઔદ્યોગિક વસાહતો ધરાવતો ભરૂચ જિલ્લો રાસાયણિક ખાતર ઉદ્યોગ તથા પેટ્રોલિયમ ઉદ્યોગોના વિકાસમાં મોખરે છે.
ઔદ્યોગિક વિકાસ સાથે છેવાડાનો માનવી વિકાસથી વંચિત ન રહે તે માટે રાજય સરકારે વિવિધ કદમ ઉઠાવ્યા છે તેમ જણાવી કલેક્ટરે ઔદ્યોગિક વિકાસની સાથે ભરૂચ જિલ્લાએ કૃષિક્ષેત્રે પણ ક્રાંતિ સર્જી છે. ભરૂચમાં કેળા, શેરડી, કપાસ અને તુવેરના પાકો મુખ્યત્વે થાય છે. બાગાયતી ખેતીના કારણે ભરૂચ જિલ્લો ધબકતો બન્યો છે. જેનો યશ કૃષિ મહોત્સવ અને ખેડૂતોની જાગૃતિને જાય છે. દક્ષિણ ગુજરાતમાં ટીસ્યુ કલ્ચર પીળી ખારેકની ખેતીના પ્રારંભનો યશ પણ ભરૂચ જિલ્લાને જાય છે. રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓને અદના માનવી સુધી પહોંચાડવા રાજ્ય સરકારે કમરકસી છે.સૌનો સાથ સૌનો વિકાસ મંત્રને ચરિતાર્થ કરવા રાજ્ય સરકારે અથાગ પ્રયત્નો કર્યા છે.
પ્રજાસત્તાક પર્વ ઉજવણી અવસરે તેમણે ઉમેર્યું હતું કે, રાષ્ટ્ર અત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતિ ઉજવી રહયું છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું પુ.મહાત્મા ગાંધીને સાચી શ્રધ્ધાંજલિ આપવાનું સપનું સાકાર થઈ રહયું છે.ગુજરાતમાં વિકાસની નિરંતર પ્રક્રિયાની પ્રતીતિ દેશ-દુનિયાને થઈ રહી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સક્ષમ નેતૃત્વમાં જનહિતલક્ષી કાર્યો કરીને વિકાસના નવા આયામોની પ્રજાને અનુભુતિ કરાવી છે.કલેક્ટરે વધુમાં ઉમેર્યું હતું કે, રાજય સરકાર દ્વારા અરજદારોની અરજીઓનો ઘરઆંગણે યોગ્ય નિરાકરણ થાય તેવા સુચારૂ સુશાસનના ભાગરૂપે શરૂ કરાયેલો સેવાસેતુ કાર્યક્રમ ભરૂચ જિલ્લામાં સાર્થક નીવડયો છે. ભરૂચ જિલ્લામાં યોજાયેલા સેવાસેતુના પાંચમાં તબક્કાના કાર્યક્રમમાં ૭૧૨૬૪ અરજીઓનું સ્થળ પર નિરાકરણ કરવામાં આવ્યું છે. રાજયના સુચારૂ શાસનના ભાગરૂપે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ગામડે ગામડે રાત્રિસભાનું આયોજન થાય છે.વહીવટી તંત્રના અધિકારીઓ ગ્રામ્ય ક્ષેત્રના જનસમુદાય સુધી પહોંચીને સમસ્યાઓ સાંભળે છે અને પ્રશ્નોનું નિરાકરણ થાય છે.
આરોગ્ય વિભાગ, ખેતીવાડી શાખા, પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજના, આત્મા પ્રોજેક્ટ ધ્વારા થયેલી કામગીરી, રમત ગમત, જલ જીવન મિશન અંતર્ગત નલ સે જલ કાર્યક્રમ હેઠળ થયેલી કામગીરી, મહિલા સશક્તિકરણ, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ,પ્રધાનમંત્રી આવાસ, અનુસુચિત જનજાતિ, અનુસુચિત જાતિ, સમાજ સુરક્ષા વિભાગની કલ્યાણકારી યોજનાઓ, આદિજાતિ વિકાસ વિભાગ, વનબંધુ કલ્યાણ યોજના, રોજગાર, શિક્ષણ, સામાજિક વનીકરણ, પુરવઠા, સિંચાઈ, ઉદ્યોગ, કાયદો અને વ્યવસ્થા સહિત વિવિધ વિભાગોની ભરૂચ જિલ્લામાં થયેલી કામગીરીની વિસ્તૃત વિગતે છણાવટ કરી હતી.
ભરૂચ જિલ્લાના શહેરી વિસ્તારમાં આંતરમાળખાકીય સુવિધાઓ માટે રાજ્ય સરકાર દ્વારા ૨૦૧૯-૨૦૨૦ ના વર્ષ માટે કુલ રૂ..૧૧.૨૫ કરોડની ચાર નગરપાલિકાઓને ફાળવણી કરવામાં આવેલ છે. ભરૂચ શહેરમાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવા માટે રૂ..૫ કરોડ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ છે. ભરૂચ શહેરમાં એક ફ્લાઈ ઓવર પણ મંજૂર કરવામાં આવેલ છે.
અંતમાં કલેક્ટરે ગુજરાત વિકાસની નવી ઉંચાઈઓ સર કરી રહ્યું છે ત્યારે આપણે સૌ સાથે મળીને ગુજરાતના વિકાસને વધુ વેગવાન બનાવવાના સહિયારા પ્રયાસો આદરીને મજબૂત રાષ્ટ્રના નિર્માણની ભાવના સાથે વિકાસકીય કાર્યોમાં સહભાગી થઈએ. સાથે સાથે આપણા વિસ્તારના વિકાસ માટે સૌના કલ્યાણ માટે અને પરસ્પર સદભાવ માટે પ્રેરક બનવા કલેક્ટરે અનુરોધ કર્યો હતો.
પ્રારંભે કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાએ ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું. પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે પોલીસ ધ્વારા માર્ચ – પાસ્ટ રાખવામાં આવેલ, વિવિધ કચેરીઓ ધ્વારા ટેબ્લોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કલેક્ટરના વરદ હસ્તે વિભિન્ન ક્ષેત્રોમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન તેમજ વિશેષ કામગીરી કરનારાઓનું પણ સ્મૃતિચિન્હ થી બહુમાન કરાયું હતું. આ અવસરે પોલીસ પરેડ તથા વિવિધ શાળાના બાળકોએ દેશ ભક્તિના ગીતો તેમજ સાંસ્કૃત્તિક કાર્યક્રમો રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. જિલ્લાના વિકાસ માટે રૂ..૨૫ લાખનો ચેક નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલને અર્પણ કરાયો હતો.
શ્રેષ્ઠ ટેબ્લો, શ્રેષ્ઠ સાંસ્કૃત્તિક કાર્યક્રમ, શ્રેષ્ઠ પ્લાટુનની જાહેરાત કરી તેઓને પણ પ્રોત્સાહિત કરાયા હતા.પ્રજાસત્તાક દિનની ઉજવણી અવસરે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચૂડાસમા, નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ, વરિષ્ઠ આગેવાન પદાધિકારીઓ, જિલ્લા – તાલુકાના આગેવાનો, વરિષ્ઠ અધિકારીઓ, શાળાના બાળકો, પોલીસ જવાનો સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત હતા.