ભરૂચ જીલ્લામાં ૧૭૫૦ લાખના મંજૂર થયેલ ૬૯૩ વિકાસના કામો મંજુર
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ગૃહ રાજ્ય મંત્રી અને ભરૂચ જીલ્લા પ્રભારી મંત્રી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ગાંધીનગર થી વિડિયો કોન્ફરન્સના માધ્યમ થી કલેક્ટર કચેરીના વિડિયો કોન્ફરન્સ હોલમાં યોજાયેલી બેઠકમાં વર્ષ ૨૦૨૦-૨૧ માટે ગુજરાત પેટર્ન યોજના હેઠળ કુલ રૂ.૧૭૪૯.૮૨ લાખના ૬૯૩ જેટલા વિકાસના કામો મંજુર કરવામાં આવ્યા.
જીલ્લા પ્રભારી મંત્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષપદે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં જિલ્લામાં પાક કૃષિ વ્યવસ્થા,ભૂમિ અને જળસંરક્ષણ,પશુપાલન,ડેરી વિકાસ,મત્સ્યોધ્યોગ,વન વિકાસ, સહકાર,ગ્રામ વિકાસ,નાની સિંચાઈ,વિસ્તાર વિકાસ,વિજળીકરણ,ગ્રામ અને લઘુઉદ્યોગ, રસ્તા અને પુલો,નાગરિક પુરવઠો,સામાન્ય શિક્ષણ,તાંત્રિક અને તાલીમ,શિક્ષણ,તબીબી અને જાહેર આરોગ્ય,પાણી પુરવઠા અંગે મૂડી ખર્ચ,પછાત વર્ગોનું કલ્યાણ,શ્રમ અને રોજગાર,પોષણ અને મધ્યાહન ભોજન યોજના વગેરે જેવા સદર હેઠળ જીલ્લામાં કુલ રૂા.૧૭૪૯.૮૨ લાખના ખર્ચના મંજુર થયેલા કુલ ૬૯૩ જેટલા લોક કલ્યાણ અને જીલ્લાના વિકાસ કામો મંજુર કરવામાં આવ્યા હતા.આ બેઠકમાં સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા સહિત ધારાસભ્યો દ્વારા રજૂ થયેલી રચનાત્મક સૂચનોને મંત્રીએ આવકાર્યા હતા અને તે અંગે વધુ કાર્યવાહી કરવા કલેકટરને,જીલ્લા વિકાસ અધિકારીને અને પ્રાયોજના વહીવટદારને સૂચના આપી હતી.