Western Times News

Gujarati News

ભરૂચ જીલ્લામાં ૨૪ કલાકમાં જ મુશળધાર વરસાથી જળબંબાકારની સ્થિતિ.

ભરૂચ જિલ્લાના વાલિયામાં ૪.૫ ઈંચ,નેત્રંગમાં ૩ ઈંચ ભરૂચ – જંબુસરમાં અઢી અઢી ઈંચ વરસાદ.

ભરૂચ જીલ્લામાં લાંબા સમય બાદ વરસાદ વરસતા ૨૪ કલાકમાં જ ધમાકેદાર મેહુલિયાની એન્ટ્રી.

મોડી રાત્રિએ મુશળધાર વરસાદના કારણે કસક,સેવાશ્રમ રોડ,પાંચબત્તી સહિત અનેક જાહેર માર્ગો ઉપર પાણી ભરાયા.

(વિરલ રાણા)ભરૂચ,ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં મુશળધાર વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વાલીયામાં ૪.૫ ઇંચ નેત્રંગમાં ૩ ઈંચ જ્યારે ભરૂચ જંબુસરમાં અઢી અઢી ઇંચ વરસાદના પગલે અને તાલુકાઓમાં સરદાર વરસાદના કારણે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.જેના પગલે તંત્રની પ્રિમોન્સુન કામગીરીની પોલ પણ ખુલ્લી પડી ગઈ છે.સાથે શહેરના કસક,સેવાશ્રમ રોડ,પાંચબત્તી સહિતના જાહેર માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવી પડી હતી.

ભરૂચ જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૯ તાલુકામાં વરસાદ નોંધાયો છે અને ભરૂચ જીલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે જેમાં ભરૂચ તાલુકાના નેત્રંગમાં ૪.૫ ઈંચ વરસાદ,નેત્રંગમાં ૩ ઈંચ,ભરૂચ તાલુકામાં અઢી ઈંચ,જંબુસરમાં અઢી ઈંચ,અંકલેશ્વરમાં ૨ ઈંચ જ્યારે આમોદ,ઝઘડિયા,હાંસોટ અને વાગરામાં એક થી દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે.જેના પગલે ભરૂચ જીલ્લાના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસવાના કારણે વરસાદી પાણીનો ભરાવો થવા સાથે વીજ પુરવઠો ખોરવાય ગયો હોવાના અહેવાલો મળી રહ્યા છે.ત્યારે ભરૂચ જીલ્લામાં મેહુલિયાની પ્રથમ એન્ટ્રીમાં જ ડીજીવીસીએલ અને પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીઓની પોલ ખુલ્લી પડી ગઈ છે.

પ્રથમ વરસાદમાં જ ભરૂચ જીલ્લાના અનેક તાલુકાઓમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે.
ભરૂચ તાલુકામાં અઢી ઈંચ વરસાદ વરસવાના કારણે મોડી રાત્રે ધોધમાર વરસેલા વરસાદના પગલે ભરૂચ શહેરના પ્રવેશ દ્વાર સમાન ગરનાળામાં પણ પાણીનો ભારાઓ થયો હતો.જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવી પડી હતી સાથે ભરૂચ શહેરના સતત વાહનોને રાહદારીઓથી ધમધમતા વિસ્તારમાં પાંચબત્તી નજીક પણ પાણી ભરાયા હતા.

તો સાથે સેવાશ્રમ રોડ ઉપર પણ મોટા પ્રમાણમાં વરસાદી પાણીનો ભરાવો થતા વાહન ચાલકો, રાહદારીઓ અને દુકાનદારોને ભારે હાલાકી ભોગવી પડી હતી.ભરૂચ શહેરમાં નગરપાલિકા કાંસ સફાઈની પ્રિમોન્સુન કામગીરીની પાછળ લાખો રૂપિયાનું આંધણ કરતી હોય છે.છતાં પણ સામાન્ય વરસાદમાં પાણીનો ભરાવો થતા લોકોમાં પણ કુતુહલ સર્જાયું છે ભરૂચ શહેરમાં મોડી રાત્રે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થવા સાથે અનેક સ્થળે વરસાદી પાણીનો ભરાવો સર્જાયો હતો.

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં કેટલાય વિસ્તારોની કાંસોની સફાઈમાં વેઠ ઉતારવામાં આવી છે જેના કારણે સામાન્ય વરસાદમાં પણ પાણીનો ભરાવો સર્જાઇ રહ્યો છે ત્યારે ગતરોજ મોડી રાત્રે અઢી ઈંચ વરસાદના પગલે ફાટા તળાવ ડભોયા વાળ વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થતાં લોકોએ ઘરમાં જ પુરાઈ રહેવાનો વારો આવ્યો હતો ત્યારે ભરૂચ નગરપાલિકા હજુ પણ કુંભકરણની નિંદરમાં રહેશે તો આગામી ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવી પડશે.

ત્યારે જોવું એ રહ્યું કે ભરૂચ નગરપાલિકા દ્વારા હજુ કાંસો ની સફાઈ થાય છે કે કેમ?ભરૂચ શહેરમાં અંડરગ્રાઉન્ડની કામગીરીને લઈ જાહેર માર્ગો ખોદી નાખવામાં આવ્યા છે.જેમાં વરસાદી પાણી જવાના કારણે માટી બેસી જવાની ઘટનાઓ સામે આવી રહી છે.તો સાથે ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારના તળાવ રોડ ઉપર બિલ્ડરોના બાંધકામ સ્થળે પણ અંડરગ્રાઉન્ડ સહિત વિવિધ કામ માટે ખોદવામાં આવેલ જમીનોમાં વરસાદી પાણીનો ઉતારો થતા કેટલાય સ્થળોએ રોડ બેસી જવા સાથે માટી બેસી જવાના કારણે ભુવા પડ્યા હોવાની માહિતી સાંપડી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.