ભરૂચ તાલુકાના ઝનોર ગામે કોરોનાના ભય કરતા કપિરાજ નો ભય
આતંક મચાવી ૧૩ લોકો ઈજાગ્રસ્ત કરનાર બે કપીરાજો પાંજરે પૂરાતા ગ્રામજનોમાં હાશકારો
ભરૂચ, ભરૂચ તાલુકાના ઝનોર ગામે છેલ્લા એક અઠવાડિયા થી ગ્રામજનો કપિરાજ ના આતંક થી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને તોફાને ચઢેલા ૨ કપિરાજો એ ૧૩ લોકો ને નિશાન બનાવી લોહી લુહાણ કર્યા હતા.જેના પગલે વન વિભાગ ની ટીમે કપીરાજો ને ઝડપી પાડવા ગામ માં પાંજરા ગોઠવતા આતંક મચાવનારા બે કપીરાજો પાંજરે પુરાઈ જતા ગ્રામજનો એ હાશકારો અનુભવ્યો હતો.
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ તાલુકા ના ઝનોર ગામે ગ્રામજનો ને કોરોના વાયરસ કરતા કપીરાજ ના આતંક નો ભય ફેલાયેલો જોવા મળ્યો હતો.છેલ્લા એક અઠવાડિયા માં ૨ કપીરાજો એ આતંક મચાવી ૧૩ જેટલા લોકો ઉપર હુમલો કરી બચકા ભરી ઈજાઓ પહોંચાડી હતી.
આતંક મચાવનાર કપીરાજો ને પાંજરે પુરવા માટે ગ્રામજનો એ વન વિભાગને જાણ કરતા વન વિભાગે અને બીએનસી ના કાર્યકરો ઝનોર ગામે દોડી આવ્યા હતા અને આતંક મચાવનારા કપીરાજો ને પાંજરે પુરવા માટે વિવિધ વિસ્તારો માં દશ જેટલા પાંજરા ગોઠવવામાં આવતા આજરોજ ગ્રામજનો ઉપર હુમલો કરનારા બે કપીરાજો બે પાંજરા માં પુરાઈ જતા ગ્રામજનો ના ટોળેતોળા જોવા માટે ઉમટી પડ્યા હતા અને કપીરાજોને પાંજરે પુરાયેલા જોઈ ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.