Western Times News

Gujarati News

ભરૂચ – દહેજ રોડ પર આવેલ વેસદડા ગામ નજીક LPG ગેસ ભરેલ ટેન્કરમાં આગ.

ભરૂચ નગરપાલિકા, GNFC અને દહેજ સહિતના ફાયર ફાયટરોએ દોડી જઈ આગ પર કાબૂ મેળવ્યો.

ટેન્કર ચાલકની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી : સદ્દનસીબે કોઈ જાનહાની નહિ.  

(વિરલ રાણા ) ભરૂચ,ભરૂચ – દહેજ રોડ પર આવેલ વેસદડા ગામ નજીક LPG  ગેસ ભરેલું ટેન્કરની કેબિનમાં ભયંકર આગ ભભુકી ઉઠતા ફાયર ફાઈટરોએ દોડી જઈ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.જોકે સદ્દનસીબે આગના બનાવમા કોઈ જાનહાની થવા પામી ન હતી.

વાહન વ્યવહારથી સતત ધમધમતા ભરૂચ – દહેજ રોડ ઉપરથી ભારત પેટ્રોલિયમનું એક એલપીજી ટેન્કર દહેજ થી ભરૂચ તરફ આવી રહ્યું હતું.તે દરમ્યાન વેસદડા ગામ નજીક LPG  ગેસ ભરેલ ટેન્કરના કેબિન શોર્ટસર્કિટના કારણે ધુમાડા નીકળવા સાથે ભયંકર આગ ભભૂકી ઉઠી હતી.જેના પગલે ટેન્કર ચાલકે સમય સૂચકતા વાપરી રોડ પરથી ટેન્કરને સાઈડમા લઈ કેબિન માંથી બહાર નીકળી ફાયરબ્રિગેડને કોલ કર્યો હતો.

જોકે આ દરમ્યાન આગ ખેતરમાં પ્રવેશી હતી.રોડ પર LPG  ટેન્કરમાં આગ લાગતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને લોકટોળા પણ ભેગા થઈ ગયા હતા.ભીષણ આગના કારણે એક તરફનો વાહન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો હતો.આગમાં ટેન્કરનું કેબિન સળગી ઉઠતા ભરૂચ તાલુકા મામલતદાર,તાલુકા પોલીસનો સ્ટાફ અને ફાયર બ્રિગેડનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.

ભરૂચ નગરપાલિકા,GNFC ,દહેજ સહિતના ચાર થી પાંચ ફાયર ફાયટરોએ ઘટના સ્થળે દોડી આગ પર કાબુ મેળવવાની કવાયત હાથધરી હતી અને ભારે જહેમત બાદ આગ વધુ પ્રસરતી અટકાવવા સાથે કાબુ મેળવી લેવાયો હતો.જે બાદ સુરક્ષાના કારણોસર કૂલિંગ કામગીરી હાથ ધરવામાં આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. આમ ટેન્કર ચાલકની સમયસૂચકતા અને તંત્રની સમયસરની કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.