ભરૂચ નગરપાલિકાનું ગેરેજ બન્યું ડમ્પીંગ સાઈટ

નગરપાલિકા પાસે વૈકલ્પિક જગ્યા ન હોવાથી ગેરેજમાં કર્યું કચરાનું સ્ટોરેજઃ સાયખા ડમ્પિંગ સાઈડનો ગ્રામજનોએ વિરોધ કરતા બંધ
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ નગરપાલિકા દ્વારા ગેરેજમાં કામ ચલાઉ ડમ્પિંગ સાઈડ કરી મુકતા વિપક્ષી સભ્યોએ સાઈટ વિઝીટ કરી પાલિકા શાસનની નિષ્ફળતા ગણાવી ૨૪ કલાકમાં અહીંથી કચરો ઉઠાવી લેવા તાકીદ કરી તેમ નહિ કરાય તો નગરપાલિકા માં કચરો ઠાલવવા ની ચીમકી પણ આપી હતી.
ભરૂચ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર વ્યવસ્થા દ્વારા ઉઘરાવવાતો કચરો ક્યાં નાખવો તે પ્રશ્ન ઉભો થયો છે.સમગ્ર શહેર માંથી ભેગો થતો ઘન કચરા માટે વાગરાના સાયખા ખાતે ડમ્પિંગ સાઈટ નું નિર્માણ કરાયું હતું.પણ ગ્રામજનો ના વિરોધ ના કારણે પાલિકા દ્વારા પ્રાઈમરી ગારબેજ કલેક્શન સેન્ટરના નામે જે.બી.મોદી પાર્ક પાસે આવેલ પાલિકા ગેરજ માં ડમ્પિંગ સાઈટ બનાવી દેવામાં આવતા આસપાસના રહીશોમાં રોષ જાેવા મળી રહ્યો છે.
જેની જાણ થતાં વિપક્ષના નેતા સમશાદઅલી સૈયદ સહિત અન્ય સભ્યો પણ ગેરજ ખાતે પહોંચી ગયા હતા.વિપક્ષી સભ્યોએ પાલિકા સત્તાધીશોને આ બાબતે નિષ્ફળતા ના આરોપ લગાવી શહેર માં કચરા ના ઢગ ખડકાઈ રહ્યા છે અને ગેરકાયદેસર રીતે અહીં ડમ્પિંગ સાઈટ બનાવી દેવામાં આવેલ છે.
જે ૨૪ કલાક માં ખાલી નહિ કરાય તો નગરપાલિકા ખાતે કચરો ઠાલવવા ની ચીમકી પણ ઉચ્ચારી છે. સમસ્યાને લઈ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે સમસ્યા ટૂંક સમયમાં હલ કરવામાં આવશે.આ મામલે નારાજ ગ્રામજનો અને સ્થાનિક રહીશો સાથે વાતચીત ચાલી રહી છે
અને વૈકલ્પીક વ્યવસ્થા માટે પણ તૈયારી કરી દેવામાં આવી છે તેથી કચરાના નિકાલની કામગીરી ટૂંક સમયમાં રાબેતા મુજબ શરૂ થી જશે. વિપક્ષી સભ્યોની ચીમકી અને સ્થાનિકોના રોષને પગલે પાલિકા દ્વારા સાયખા ડમ્પિંગ સાઈટ ચાલુ કરવા માટે ગ્રામજનોને સમજાવવા માટે ના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.