ભરૂચ નગર પાલિકામાં ઉડતા સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, કોરોના ની મહામારી ના પગલે લોકડાઉન થતા શહેરીજનોના બાકી પડતો હાઉસટેક્ષ ભરવા માટે ભરૂચ નગર પાલિકાના હાઉસટેક્ષ વિભાગમાં શહેરીજનોની લાંબી કતારો જામતા સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા હતા.તો કતારો ન જામે તે માટે પાલિકા પ્રમુખે પણ વધુ કાઉન્ટર ઉભા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.પરંતુ કોરોનાના વધતા સંક્રમણના કારણે પાલિકાની આવી બેદરકારીને લઈ શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો.
સમગ્ર વિશ્વ માં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો.જેના પગલે કોરોના નું સંક્રમણ વધુ ફેલાઈ નહિ તેના માટે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું।જેના પગલે શહેરીજનોનો હાઉસટેક્ષ નો વેરો ભરપાઈ કરી શક્યા ન હતા.ત્યાર બાદ અનલોક ની સ્થિતિ સર્જાતા પાલિકા દ્વારા બાકી પડતા હાઉસટેક્ષ ધારકોને નોટિસ મોકલવામાં આવતા શહેરીજનોનો પાલિકા કચેરી ખાતે હાઉસટેક્ષ ભરવા માટે લાંબી કતારો જામી રહી છે.તો બીજી તરફ ભરૂચ નગર પાલિકાની વેબ સાઈટ પણ ખોરંભે ચઢતા શહેરીજનોએ ફરજીયાત હાઉસટેક્ષ ભરવા પાલિકા ખાતે ઉમટી રહ્યા છે.
ત્યારે સોમવારની સવાર થી જ હાઉસટેક્ષ વિભાગમાં શહેરીજનોની લાંબી કતારો જોવા મળી હતી.તો ટેક્ષ વસૂલવા માટે માત્ર બે જ કાઉન્ટરો ચાલુ હોવાના કારણે શહેરીજનોએ કલાકો સુધી કતાર માં ઉભા રહેવાનો વાળો આવ્યો હતો.જેના પગલે કતાર માં ઉભા રહેલા શહેરીજનો ના પગલે સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાતા આવા સંજોગોમાં કતાર માં ઉભા રહેલા શહેરીજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આક્ષેપ કર્યા હતા કે નગર પાલિકાના સત્તધીશો હાઉસટેક્ષ ભરવા માટે વેરા ની નોટિસ ઘર સુધી પહોંચાડવા માટે આવે છે.ત્યારે વેરો પણ ઘરે થી કેમ નથી વસૂલી જતા અને વેરો ભરવા માટે લોકોએ પોતાના કામ ધંધા છોડીને નગર પાલિકા ખાતે વેરો ભરવા માટે કલાકો સુધી કતારમાં ઉભા રહેવાનો વાળો આવ્યો છે.ત્યારે નગર પાલિકાએ વધુ કાઉન્ટરો શરૂ કરવા જોઈએ જેથી લોકોને લાંબી કતારમાં ઉભા પણ ન રહેવું પડે અને કોરોના ના સંક્રમણનો ભય પણ ન સતાવે.
તો બીજી તરફ ભરૂચ નગર પાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલા એ જણાવ્યું હતું કે હાઉસટેક્ષ વિભાગ માં વેરો ભરવા માટે લોકો મોટી સંખ્યા માં ઉમટી રહ્યા છે.જેથી લોકોએ કતારમાં ઉભું રહેવું પડે છે.જેના પગલે સોશ્યલ ડિસ્ટન્સ જળવાતુ નથી.ત્યારે સોમવારનો ઉઘડતો દિવસ હોવાના કારણે લોકોની ભીડ જામતી હોય છે.ત્યારે વધુ ભીડ ન જામે તે માટે વેરો ભરવા માટે વધુ કાઉન્ટર નગર પાલિકા દ્વારા શરૂ કરવાની કામગીરી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભરૂચ નગર પાલિકા માં અગાઉ અધિકારીઓ અને કર્મચારીઓ કોરોના સંક્રમણનો ભોગ બની ચુક્યા હતા અને કેટલાક કર્મચારીઓએ સારવાર દરમ્યાન જીવ પણ ગુમાવ્યા છે.ત્યારે ભરૂચ નગર પાલિકાના વિવિધ વિભાગોમાં સોશ્યલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન થાય તેવા પ્રયાસો કરવાની જરૂર છે નહિતર નગર પાલિકામાં આવતા અરજદારો સહિત અધિકારીઓ અને કર્મચારીઓ કોરોના સંક્રમણનો ભોગ બની શકે છે.