ભરૂચ ના કોરોનાગ્રસ્ત મૃતકો નો ખર્ચ ભરૂચ નગરપાલિકા ભોગવી રહી છે
જીલ્લા ના અન્ય વિસ્તાર ના મૃતકો માટે નો ખર્ચ નો પ્રશ્ન : સ્મશાન સંચાલક નો ભરૂચ બહારના કોવિડ મૃતદેહની અંતિમવિધિ નહિ કરવાનો નિર્ણય.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ સ્થિત રાજ્યનું એકમાત્ર કોવિડ સ્મશાન ફરી વિવાદમાં સપડાયું છે.જેમાં ભરૂચ નગર પાલિકા વિસ્તાર ના કોરોનાગ્રસ્ત મૃતક ની અંતિમવિધિ માટે ના ચાર્જ ને લઈ ને વિવાદ થતા ભરૂચ બહારના વિસ્તાર ના મૃતકો ની હવે અંતિમવિધિ કરવાનો એજન્સીએ નિર્ણય જાહેર કરતા બહારના લોકો માટે સમસ્યા સર્જાવાની સંભાવના ઉભી થઈ છે.
ભરૂચ અને અંકલેશ્વર ના સ્મશાન માં કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃતદેહ ના અંતિમ સંસ્કાર માટે ભારે વિરોધ અને વિવાદ સર્જાયા બાદ તંત્ર દ્વારા ગોલ્ડન બ્રિજ ના દક્ષિણ છેડે નર્મદા ના તટે એક શેડ ઉભો કરી રાજ્ય નું પ્રથમ કોવિડ સ્મશાન ચાલુ કરવામાં આવ્યું હતું.તેમજ અહીં આવતા કોવિડ ના મૃતદેહોના અંતિમસંસ્કાર એજન્સી સાથે ભરૂચ પાલિકાએ કોન્ટ્રાકટ કર્યો હતો.તો અંતિમવિધિ માટે લાકડા અને અન્ય સામગ્રી અંકલેશ્વર ની રોટરી કલબ દ્વારા પુરી પાડવામાં આવી રહી છે. ભરૂચ પાલિકા દ્વારા એજન્સી ને માત્ર ભરૂચ શહેર ના કોરોના ગ્રસ્ત દર્દીઓ ના મૃતદેહ ની અંતિમવિધિ માટે ખર્ચ ચુકવવામાં આવી રહ્યો છે.
જેથી ભરૂચ ના લોકો એ તેવોના કોરોનાગ્રસ્ત મૃતક સ્વજન ની અંતિમવિધિ માટે કોઈ ચાર્જ ચૂકવવાનો રહેતો નથી તેમ પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા એ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે.
પરંતુ ભરૂચ શહેર બહારના કોરોનાથી મૃત્યુ પામનાર વ્યક્તિઓની અંતિમક્રિયાના ચાર્જને લઈ એજન્સી સાથે કોઈ કરાર અંકલેશ્વર કે અન્ય કોઈ નગર પાલિકા કે ગ્રામ પંચાયત કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એન્જસી સાથે કરવામાં આવ્યો નથી. એટલેકેભરૂચ નગરપાલિકા સિવાય કોઈપણ વિભાગ કે સંસ્થા કોવિડ દર્દીઓની અંતિમ ક્રિયાના ચાર્જ ચૂકવવા હજુ સુધી આગળ આવી નથી.હાલ માં એક કોરોનાગ્રસ્ત મૃતકના સગાઓ પાસેથી ચાર્જ વસુલવામાં આવતા વિવાદ ઉભો થવા પામ્યો છે.આ વિવાદ ઉભો થતા કોવિડ સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકી એ ભરૂચ શહેર બહાર ન કોવિડ મૃતકો ની અંતિમક્રિયા તેવોની ટીમ હવે નહિ કરે તેવું જાહેર કર્યું છે.
આમ કોવિડ સ્મશાન માં ભરૂચ બહાર ના કોરોનાગ્રસ્ત મૃતકો ની અંતિમવિધિ માટે પુનઃ સમસ્યા સર્જાવા પામી છે ત્યારે આ અત્યંત ગંભીર અને સંવેદનશીલ મુદ્દે તંત્ર ત્વરિત કાર્યવાહી કરી તેનું નિવારણ કરે તે આવશ્યક છે.નહી તો ભરૂચ બહારના કોવિડ ના મૃતકો ના પરિવારજનો એ મૃતદેહ ને લઈને આમ તેમ ભટકવું પડશે.