Western Times News

Gujarati News

ભરૂચ  પોલીસ અધિક્ષકના ૧૨ વર્ષના પુત્રએ “યંગેસ્ટ ટ્રેપ શૂટર ઓફ ગુજરાત”નો મેડલ હાંસલ કર્યો

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના ૧૨ વર્ષના પુત્ર માનવરાજસિંહ ચુડાસમાએ ૩૯મી ગુજરાત સ્ટેટ ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભરૂચ જીલ્લાનું નામ રોશન કર્યું છે.સૌથી અઘરી ગણાતી ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં માનવરાજસિંહ ચુડાસમાએ તેઓના પિતાના માર્ગદર્શન હેઠળ ફક્ત ચાર દિવસની પ્રેક્ટિસ બાદ દસાડા ખાતે રમાયેલ ૩૯મી ગુજરાત સ્ટેટ ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશિપ સિંગલ અને ડબલની સ્પર્ધામાં સુંદર પ્રદર્શન કરી “યંગેસ્ટ ટ્રેપ શૂટર ઓફ ગુજરાત” નો ખિતાબ હાંસલ કર્યો છે.

ગુજરાત સ્ટેટ ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં માનવરાજસિંહે જે સ્કોર કર્યો તેનાથી દેશમાં રમાનારી બે પ્રિ-નેશનલ ટ્રેપ શુટિંગ ચેમ્પિયન શીપની સ્પર્ધામાં પણ ગુજરાતનું તેમજ ભરૂચ જીલ્લાનું પ્રતિનિધિત્વ કરવા માટે ક્વોલિફાઇંગ સ્કોરને ક્રોસ કરી નાખ્યો છે.

પ્રિ-નેશનલ ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશિપ માં મુખ્યત્વે માવલંકર શૂટિંગ ચેમ્પિયનશિપ તેમજ વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભરૂચના આ ધોરણ  ૬ માં અભ્યાસ કરતા માનવરાજસિંહ ચુડાસમાએ ગુજરાતનું તેમજ ભરૂચ જીલ્લાનું પ્રતિનિધિત્વ કરવા માટેની હવે તૈયારીઓ આરંભી દીધી છે.

કહેવત છે ને કે, “મોરના ઈંડાને ચીતરવા ન પડે” તેમ માનવરાજસિંહ ચુડાસમાના પિતા રાજેન્દ્રસિંહ ચુડાસમા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક તરીકે ભરૂચમાં ફરજ બજાવે છે.પિતા રાજેન્દ્રસિંહ અને માતા વંદનાબા બંને શૂટિંગના ખુબ જ શોખીન હોય અને રાજ્યને શૂટિંગ સ્પર્ધા તેમજ રાષ્ટ્રીય શૂટિંગની સ્પર્ધાઓમાં ઘણા ગોલ્ડ મેડલ પણ મેળવ્યા છે.

જ્યારે હવે તેમના સુપુત્ર માનવરાજસિંહ ચુડાસમાએ પણ તેમની રાહે આગળ વધી અને રાજ્ય તેમજ જીલ્લાનું નામ રોશન કર્યું છે.તેઓની આ સિદ્ધિ બદલ સમગ્ર સમાજ અને પરિવારજનોએ તેઓને અભિનંદન પાઠવી વધાવી લીધા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.