ભરૂચ ભૂસ્તર વિભાગે ઝઘડિયા તાલુકા માંથી ઓવરલોડ તેમજ રોયલ્ટી ચોરી કરી ખનિજ વહન કરતી ટ્રકો ઝડપી
રાજપારડી થી ઝઘડિયા વચ્ચે ૭ જેટલી ટ્રકોને ડીટેઈન કરી અંદાજીત દોઢ કરોડ ઉપરાંતનો મુદ્દામાલ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી.
૪ ટ્રકોના ડ્રાઈવર નાસી છૂટતા તેઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લાના ૯ તાલુકાઓ પૈકી સૌથી વધુ ખનીજ સંપત્તિ ઝઘડિયા તાલુકો ધરાવે છે. ઝઘડિયા તાલુકા માંથી લિગ્નાઈટ,સિલિકા,પથ્થર તેમજ રેતી નું મોટા પાયે ખનન થાય છે.જેથી સૌથી વધુ ખનીજ ચોરી ઝઘડિયામાં થઈ રહી છે.રોજિંદી હજારો ટ્રકો ઓવરલોડ તેમજ રોયલ્ટી ચોરી કરી તથા ખનીજ વહન નાં નિયમો નેવે મૂકી વહન થાય છે.આજરોજ વહેલી સવારે ભરૂચ જીલ્લા ભૂસ્તર ખાતાના કેયુર રાજપુરા તથા તેની ટીમ દ્વારા ઓવરલોડ તેમજ રોયલ્ટી ચોરી કરી વહન થતા વાહનો પર સપાટો બોલાવ્યો હતો.રાજપારડી અને ઝઘડિયા વચ્ચે થી જીલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા ૭ જેટલી ઓવરલોડ તેમજ રોયલ્ટી વગરની ટ્રકો જપ્ત કરી અંદાજીત દોઢ કરોડ ઉપરાંત નો મુદસમાલ સીઝ કર્યો હતો અને ૪ ટ્રકો ના ડ્રાઈવર નાસી છૂટતા તેઓ વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાની તજવીજ હાથધરી હતી.ભૂસ્તર વિભાગ દ્વારા ગેરકાયદેસર વહન કરતી ટ્રકો વિરુદ્ધ દંડનાત્મક કાર્યવાહી હાથધરી છે.
ભરૂચ ભૂસ્તર વિભાગના ભૂસ્તર શાસ્ત્રી કેયુર રાજપુરા સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓ એ જણાવ્યું હતું કે ઝઘડિયા તાલુકા માં ઓવરલોડ અને રોયલ્ટી ચોરી કરતા હોવાની માહિતી મળતા આજરોજ ઓવરલોડ વાહનોને ઝડપી પાડવામાં આવ્યા હતા.જેમાં કુલ ૭ ટ્રકોનેે ડિટેઈન કરવામાં આવી હતી.જેમાં ૪ ટ્રકો ના ડ્રાઈવર નાસી છૂટતા તેઓ વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાની તજવીજ હાથધરી છે અને દોઢ કરોડ ઉપરાંત નો મુદ્દામાલ સીઝ કરી પોલીસને સોંપવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે થી પણ ભૂસ્તર વિભાગ અને પ્રાંત અધિકારી ઝઘડિયા દ્વારા લીઝ માંથી રેતી કાઢી ઓવરલોડ અને રોયલ્ટી વિના વહન કરતા વાહનો ઝડપી પાડવામાં આવ્યા હતા.જેમાં પણ ૧ કરોડ ઉપરાંતનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો.તો અંકલેશ્વર ના ઉચ્છાલી ગામે થી પણ ૭૫ લાખ ઉપરાંત ના મુદ્દામાલ સાથે મશીનો સીઝ કરવામાં આવ્યા હતા અને આજે ફરી દોઢ કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.ત્યારે ચોક્કસ કહી શકાય કે ભરૂચ જીલ્લા માં ભુ માફિયાઓ સક્રિય હોય પર્યાવરણ સહિત અનેક પ્રકારે નુકશાન પહોંચાડી રહ્યા છે.ત્યારે સરકાર આવા તત્ત્વો સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી છે.