ભરૂચ રેલવે સ્ટેશનથી પાંચબત્તી સુધીના મુખ્ય રોડ પરના દબાણ હટાવાયા

(તસ્વીર: વિરલ રાણા, ભરૂચ) ભરૂચના રેલવે સ્ટેશન થી પાંચબત્તી વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા નગરપાલિકાના દબાણ શાખા દ્વારા દબાણો દૂર કરાયા હતા.જેમાં રોટરી કલબની સામે મુખ્ય માર્ગ પર ભરાતા ફ્રુટ માર્કેટની લારીઓને પાસેના પાર્કિંગ પ્લોટમાં શિફ્ટ કરવામાં આવી હતી.
ભરૂચ શહેરના મુખ્ય માર્ગો પર વારંવાર સર્જાતી ટ્રાફિક સમસ્યાને દૂર કરવા પોલીસ પ્રોટેક્શન સાથે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત અન્ય અધિકારીઓ અને કર્મચારીઓના કાફલાએ દબાણ દૂર કરવાની કામગીરી હાથધરી હતી.જે અંતર્ગત નડતર રૂપ થતા લારી ગલ્લાઓ નગરપાલિકા દ્રારા દૂર કરવામાં આવ્યા હતા.
રોટરી કલબની સામે ઉભી રહેતી ફ્રુટની લારીઓને પાસેના પાર્કિંગ પ્લોટમાં શિફ્ટ કરવામાં આવી હતી.ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય સોનીએ પાલિકાની દબાણ હટાવ કામગીરી અંગે જણાવ્યું હતું કે હાલ શિફ્ટ કરવામાં આવેલ લારીઓવાળા તેમજ ફેરીયાઓ માટે શહેરમાં હોકર્સ ઝોન ઊભા કરવામાં આવનાર છે.જ્યાં તેવોને આગામી દિવસોમાં જગ્યા ફાળવી આપવામાં આવશે જેથી ટ્રાફિક સમસ્યામાં રાહત થશે.
ભરૂચ શહેરમાં વધતા જતા વાહનો અને વસ્તી સામે તંત્રની પાર્કિંગથી લઈ રોડ રસ્તાની વ્યવસ્થા જાેઈએ તે પ્રમાણમાં ઉભી થતી નથી અને તે સાથે મુખ્ય માર્ગ પર ગેરકાયદેસર થતા દબાણો સામે આ રીતે સમયાંતરે કાર્યવાહી કરવા સાથે તેના કાયમી ધોરણે નિવારણ માટેની કાર્યવાહી કરવામાં આવે તે પણ આવશ્યક છે.*