ભરૂચ શહેરના ATM સેન્ટરો રામ ભરોસે
સિક્યુરિટી ગાર્ડના અભાવે એટીએમ સેન્ટરો આખલાઓ માટે આશ્રય સ્થાન બન્યા- એટીએમ સેન્ટર માં રહેલો આખલો હુમલો કરે તેવી દહેશતના પગલે ખાતેદારો પૈસા ઉપાડવા માટે અંદર જવા મૂંઝવણ માં મૂકાયા.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચમાં આવેલા વિવિધ બેંકો ના એટીએમ સેન્ટરો માંથી ચોરીની ઘટનાઓ અગાઉ અનેકવાર સામે આવી હતી.જેના પગલે એટીએમ સેન્ટર માં સિક્યુરિટી ગાર્ડ પોલીસ તંત્ર દ્વારા ફરજીયાત કરાયો હતો.પરંતુ તાજેતર માં એટીએમ સેન્ટરોમાં સિક્યુરિટી ગાર્ડના અભાવે રામ ભરોસે જોવા મળી રહ્યા છે અને કેટલાય એટીએમ સેન્ટરો ભિક્ષુકો અને આખલાઓ માટે આશ્રય સ્થાન બની ગયા હોય તેવી તસ્વીરો સામે આવી રહી છે.
ભરૂચ જીલ્લા માં ભૂતકાળ માં તસ્કરો દ્વારા એટીએમ સેન્ટરો માંથી આખે આખા એટીએમ ની ઉઠાંતરી કરી જવાની અનેક ઘટનાઓ સામે આવી હતી અને એટીએમ સેન્ટરો માં ચોરી અંગે ની ફરિયાદો પણ નોંધાઈ ચુકી છે.ત્યાર બાદ પોલીસ તંત્ર દ્વારા તમામ એટીએમ સેન્ટરો ઉપર સિક્યુરિટી ગાર્ડ ફરજીયાત રાખવાનો નિર્ણય લેવાયો હતો.જે બાદ ગણતરીના મહિનાઓ સુધી એટીએમ સેન્ટરો ઉપર સિક્યુરિટી ગાર્ડ તહેનાત કરાયા હતા.જે હવે પુનઃ એટીએમ સેન્ટરો સિક્યુરિટી ગાર્ડ વિના જોવા મળતા એટીએમ સેન્ટરો માં હાલ ચોમાસી ની ઋતુ ને લઈ વરસાદ વરસતા આખલાઓ માટે આશ્રય સ્થાન બની ગયા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે.
એટીએમ સેન્ટર ઉપર સિક્યુરિટી ગાર્ડના અભાવે એટીએમ સેન્ટર ની અંદર આખલાઓ તેમજ અસ્થિ મગજ ના ભિક્ષુકો અડિંગો જમાવતા હોવાના ફોટો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થતા પુનઃ ભરૂચ ના એટીએમ સેન્ટરો સિક્યુરિટી ગાર્ડ વિના રામ ભરોસે જોવા મળી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સિક્યુરિટી ગાર્ડ વિના ના એટીએમ સેન્ટરો માં ચોરી થવાની દહેશત પણ વર્તાઈ રહી છે.ત્યારે એટીએમ સેન્ટરો માં સિક્યુરિટી ગાર્ડ મુકવામાં આવે તે જરૂરી છે.