ભરૂચ શહેરની આ છે “અનોખી પરબ” અહી રોજ ઉજવાય છે પક્ષી દિવસ.
એક અનોખી લાયબ્રેરીની જેનું નામ છે ‘કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરી’ જ્યાં મનુષ્યોની માટે જ્ઞાન તરસ છિપાવવાની અને પક્ષીઓ માટે પાણીની તરસ છીપવાવાની વ્યવસ્થા કરી.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, કહેવાય છે કે એક સારો વિચાર સત્કાર્ય તરફ લઈ જાય ત્યારે એ સત્કાર્યો કરવાની અનુભૂતી કઈંક અલગ જ હોય છે. ઉનાળાની ગરમીમાં પાણી માટે વલખાં માત્ર મનુષ્ય જ નહિ પણ અબોલ પ્રાણીઓ અને મધુર ટહુકો કરતાં પક્ષીઓ પણ ખરા તેઓ માટે પાણીની વ્યવસ્થા કરવાનો એક વિચાર ગ્રંથપાલના મનમાં આવ્યો કે પુસ્તકાલયમાં પોતાની જ્ઞાનની તરસ સંતોષવા જેમ જ્ઞાન તરસ્યા સાહિત્ય રસિકો આવે છે
અને વાંચન થકી પોતાની જ્ઞાનની તરસ સંતોષે છે.તો પછી આ પુસ્તકાલયમાં સતત આવતા મધૂર કલરવ કરી આસપાસનું વાતાવરણ પ્રફુલ્લિત કરતા પંખીઓની પાણીની તરસ પણ સંતોષાય એવું કંઈક આપણે કરવું જોઈએ.આથી તેઓએ લાયબ્રેરીમાં વાંચવા આવતાં વિધાર્થીઓને જણાવ્યુ કે આપણે આપણી રીતે પાણીની તરસ તો છીપવી દઈએ છીએ પણ અહી આવતાં પક્ષીઓ માટે પાણી અને ચણ મળે એવી વ્યવસ્થા કરીએ તો?
આ માટે નજીવી રકમનો ફાળો આ જ વિધ્યાર્થીઓ પાસેથી લેવામાં આવ્યો અને બાકીનો પુસ્તકાલ વતી ફાળવવામાં આવ્યો.આ ફાળા માંથી પાણી ભરવા માટેના કુંડ અને ચણ મૂકવા માટેનું પાત્ર ખરીદવામાં આવ્યું અને બધાએ મળીને આ સત્કાર્યને ન્યાય આપ્યો.
ગ્રંથપાલનું માનવું છે કે દરેક સારો વિચાર બીજા એક અને અનેક ઉમદા વિચારને જન્મ આપે છે.પુસ્તકાલય માં પહેલીથી જ પક્ષીઓ માટે એક જલકુંડ બનાવવામાં આવ્યું છે અને તેમાંથી ચકલી,કાબર, પોપટ,દેવચકલી વગેરે પક્ષીઓ પાણી પીવા આવે જ છે એ જ જલકુંડ વિચાર પરથી આ નાના નાના જલકુંડ વૃક્ષોની ડાળીએ લટકાવી બીજા પક્ષીઓને પણ નિમંત્રણ પાઠવવામાં આવે છે કે આ કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરીમાં મનુષ્યની જ્ઞાનતરસ પુસ્તકો થકી છીપવવામાં આવે છે
અને અહી આવનાર પંખીઓ માટે પણ જળકુંડ થકી વ્યવસ્થા કરવામાં આવી છે !!! આ પુસ્તકાલય એક એવી પરબ છે જ્યાં તરસનું અને તરસ્યાઓનું યોગ્ય માન જળવાય છે.તો સૌ સાહિત્યપ્રેમીઓને પ્રસ્તુત પુસ્તકાલયમાં પોતાની જ્ઞાનક્ષુધા સંતોષવામાં આવશે.
આમ તો ૨૦ માર્ચ વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવાય છે પણ અમારું એવું માનવું છે કે દરેક દિવસ આપણા જીવન સાથે જોડાયેલ એ તમામ સજીવોનો છે જેઓનો પણ આ પ્રકૃતિ પર એટલો જ અધિકાર છે જેટલો આપણા મનુષ્યોનો માટે એમની માટે પણ હવા, પાણી અને અન્ય પ્રાકૃતિક સંસાધનો ઉપલબ્ધ રહે એવા પ્રયત્નો થવા જોઈએ.
આપણને કોઈ જ અધિકાર નથી કે આ પૃથ્વીનું પ્રાકૃતિક સૌન્દર્ય બગાડીએ ! માટે આવો સંકલ્પ કરો કે આવનાર ગરમીના દિવસોમાં દરેક વ્યક્તિ એના ઘરઆંગણમાં પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરે. વિધાર્થીઓ અને વાચકો સાથે અહી ઉજવાય છે રોજે રોજ ઉજવો પક્ષી દિવસ પ્રકૃતિ દિવસ !
આપની જાણ ખાતર કે આ પુસ્તકાલયની આસપાસ ઘણાબધા વૃક્ષો હોવાથી પંખીઓની આવન –જાવન થતી રહે છે તથા પક્ષીઓના મદુર કલરવથી વાતાવરણમાં જાણે અદભૂત સૂર પ્રસરતા હોય એવો અનુભવ થાય છે.તેવા પક્ષીઓને આવનાર ગરમીના દિવસોમાં પાણીની તરસ લાગશે
તેથી તેમણે ગ્રંથાલયમાં વાચવા માટે આવતા વિધાર્થીઓને આ વાતની રજૂઆત કરી અને કહ્યું કે આપણે સૌ ભેગા મળી પક્ષીઓને પીવાનું પાણી મળે એવી નાનાની કટોરીમાં પાણી ભરી પક્ષીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરીએ. સૌ વિધાર્થીઓએ ગ્રંથપાલનો આ પ્રસ્તાવ સહર્ષ સ્વીકારી તેઓ આ સત્કાર્યમાં જોડાયા.