ભરૂચ સિવિલની પાછળ ટીટોડીએ 4 ઈંડા મૂક્યાઃ ચોમાસુ વહેલું આવે તેવા સંકેતો

(પ્રતિનિધિ) ભરૂચ, ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પણ ભરૂચ જીલ્લામાં માવઠુ અને વાતાવરણમાં થતા પલ્ટાની આશંકાઓ વચ્ચે પણ વહેલા ચોમાસાના સંકેતો ટીટોડીઓ આપી રહી છે.
જેમાં ભરૂચ સિવિલ હોસ્પિટલની પાછળ ખુલ્લી જગ્યામાં ટીટોડીએ ઉભા ચાર ઈંડા મૂક્યા હોવાના કારણે ચાર મહિના સુધી ચોમાસુ સારું રહેવાના સંકેતો આપતા ખેડૂતોમાં પણ સારા વરસાદની આશાઓ બંધાઈ છે.ત્યારે ભરૂચ જીલ્લાના કેટલાય ખેતરોમાં ટીટોડીએ ઈંડા મૂક્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
કહેવાય છે કે ચોમાસા પહેલા ટિંટોડી ચાર ઈંડા મુકે તો આગામી ચોમાસું સારુ આવતુ હોય છે.વર્ષોથી આપણે ત્યાં આવી માન્યતા પ્રવર્તમાન છે.પ્રાચીન સમયમાં જ્યારે અત્યારના આધુનિક સાધનોનો અભાવ હતો ત્યારે વરસાદની આગાહી આપણા વડવાઓ પોતાની રીતે કરતા હતા.
જેમાં ટિંટોડીએ કઈ સ્થિતિમાં ઈંડા મુક્યા છે તેના પર પણ માન્યતા આધારિત અનુમાન કરાતું હતું.અત્યારે વિકસિત સમયમાં ઘણી બધી પ્રાચીન પ્રણાલીઓ બદલાઈ જવા પામી છે.જાેકે ગામડાઓમાં હજી ટિંટોડીના ઈંડાની સ્થિતિ જાેઈને વરસાદનું અનુમાન કરવાની પ્રણાલી જળવાઈ રહેલી દેખાય છે.
માન્યતા મુજબ ટિંટોડી ચાર ઈંડા મૂકે તો સારો વરસાદ,ઊંચાઈએ મુકે તો વ્યાપક વરસાદ અને ઈંડા વહેલા મુકે તો ચોમાસુ વહેલું શરૂ થાય તેવી માન્યતાઓ પ્રચલિત છે.જાેકે આ માન્યતાઓ પ્રાચીન સમયથી ચાલી આવે છે.