ભરૂચ હાઇવે પર હોટલ પાસે ૩૭૦ લિટર ડીઝલની ચોરી
ભરૂચ: રાજપારડી નજીક આવેલ શિવ શક્તિ હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલ ડમ્પરમાંથી ડીઝલની ચોરી થઇ હતી. જેમાં અન્ય ટ્રક ચાલક સહિત ત્રણ ઇસમો ફરાર થઈ ગયા હતા.
મૂળ યુપીનો અને હાલ કામરેજના અંબોલી ગામમાં રહેતો પરવેજ અહેમદ અન્સારી ડમ્પર નંબર જી.જે.૨૧.ડબલ્યુ.૪૮૧૫ લઈ બોડેલી રેતી ભરવા જઈ રહ્યો હતો. તે દરમિયાન ગત તારીખ-૧૯મી એપ્રિલના રોજ રાતે મોડુ થઈ જતાં તેણે રાજપારડી નજીક આવેલ શિવ શક્તિ હોટલના પાર્કિંગમાં ડમ્પર પાર્ક કરી સુઈ ગયો હતો.
જેમાં મધરાતે બાજુમાં પાર્ક કરેલ ટ્રક નંબર-એમ.પી..૦૯.એચ.એફ.૧૨૬૯ લઈને આવેલ ટ્રક ચાલક સહિત અન્ય ત્રણ ઇસમો તેઓની ટ્રકમાંથી ૩૭૦ લિટર ડીઝલ મળી કુલ ૩૧ હજારથી વધુનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ડીઝલ ચોરી અંગે રાજપારડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રાજપારડી પંથકમાં ડીઝલ ચોરીના અનેક બનાવ પ્રકાશમાં આવ્યા છે. ત્યારે પોલીસ નાઈટ પેટ્રોલિંગને વધુ સઘન બનાવે તે ઇચ્છનીય છે.