Western Times News

Gujarati News

ભર ઉનાળામાં નાગરિકોને પીવાના પાણી અને ઢોરઢાંખર માટે પાણીની સમસ્યા હલ થશે

પ્રતિકાત્મક

  • સૌની યોજનાની ચારેય લિંકમાંથી સિંચાઈ વિભાગ દ્વારા અંદાજે ૪૦૦૦ મીલીયન ઘન ફૂટ પાણી ઉદવહન કરીને નખાશે
  • મોરબીના મચ્છુ-૨ જળાશયથી જામનગરના ઊંડ-૧ જળાશય લીંક-૧ મારફત મોરબી અને રાજકોટ જિલ્લાના તળાવો ભરવાની કામગીરી તા.૨૧મી મે થી શરૂ થઇ
  • અન્ય ત્રણ લિંક દ્વારા તબક્કાવાર આયોજન કરીને બાકીના તમામ તળાવો, ચેકડેમ અને જળાશયો ભરાશે
  • ભૂગર્ભ જળસ્ત્રોત પણ રિચાર્જ થતાં જળસ્તર ઊંચા આવતા ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સૌરાષ્ટ્ર-કચ્છની જીવાદોરી સમાન ‘‘સૌની’’ યોજના અન્વયે સૌરાષ્ટ્રના રપ જળાશયો, ૧ર૦ તળાવો અને ૪૦૦ થી વધુ ચેકડેમમાં ૪ હજાર મીલીયન ઘનફૂટ પાણી ઉદવહન (લીફટ) કરીને આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને પરિણામે સૌરાષ્ટ્ર પ્રદેશના ભૂગર્ભ જળસ્તર ઊંચા આવતાં ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી મળશે. એટલું જ નહિ, લોકોની પીવાના પાણીની સમસ્યા હલ થશે તેમજ ઢોર-ઢાંખરને પણ પાણી મળી રહેશે.

મુખ્યમંત્રીશ્રીના આ મહત્વપૂર્ણ નિર્ણયની જાણકારી મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આપી હતી. તેમણે આ સંદર્ભમાં જણાવ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આવેલ આ જળાશયો, તળાવો અને ચેકડેમોને ભર ઉનાળામાં ભરવા માટે અંદાજે ૪૦૦૦ મિલિયન ઘન ફુટ નર્મદાના નીર સિંચાઈ વિભાગ દ્વારા ઉદવહન કરીને નખાશે.

આ કામગીરી ત્રણ તબક્કામાં ચાલી રહી છે મોરબીના મચ્છુ-૨ જળાશયથી જામનગરના ઉંડ-૧ જળાશય સુધીની લિંક-૧ની પૂર્ણ થયેલ કામગીરી દ્વારા મોરબી અને રાજકોટ જિલ્લાના તળાવો ભરવાની કામગીરીનો પ્રારંભ તારીખ ૨૧મી મે ૨૦૨૦થી શરૂ કરી દેવાયો છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના અન્ય વિસ્તારોમાં ‘સૌની’ યોજનાની અન્ય ત્રણ લિંક કેનાલો દ્વારા આ તળાવો, જળાશયો, ચેકડેમો તબક્કાવાર આયોજનબદ્ધ રીતે ટૂંક સમયમાં ભરવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે આ જળાશયો, ચેકડેમો અને તળાવો ભરાવાથી ઉનાળાની સિઝનમાં ઢોરઢાંખરને પીવાના પાણી સહિત નાગરિકો માટે પણ પીવાના પાણીની સમસ્યાનો હલ થશે. સાથે-સાથે ભૂગર્ભજળ પણ રીચાર્જ થવાનો મહત્વનો ફાયદો થતાં સિંચાઇ માટે પાણી પણ મળી રહેશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, સૌની યોજના અંતર્ગત તબક્કા-૧ની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. તબક્કો-ર પૂર્ણતાને આરે છે અને ત્રીજા તબક્કાની કામગીરી પ્રગતિમાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.