ભર ઉનાળે વીજ સંકટઃ દેશમાં 150 માંથી 81 પાવર પ્લાન્ટમાં કોલસાની કટોકટી
નવી દિલ્હી, ઓલ ઈન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશને ચેતવણી આપી છે કે, આકરી ગરમીમાં દેશના માથા પર વીજળી સંકટ તોળાઈ રહ્યુ છે.
સંગઠનનુ કહેવુ છે કે, દેશભરમાં થર્મલ પાવર પ્લાન્ટસમાં કોલસાનો સમયસર સપ્લાય પહોંચી રહ્યો નથી. તેના કારણે આવનારા સમયમાં વીજળીની ખેંચ ઉભી થશે.
ગરમી વધવાની સાથે દેશમાં વીજળીની ડીમાન્ડ વધી છે પણ તેની સામે થર્મલ પાવર પ્લાન્ટસને જરૂરી કોલસો મળી રહ્યો નથી. સપ્લાય અને ડીમાન્ડ વચ્ચે સંતુલન જાળવવામાં ઘણા રાજ્યોને મુશ્કેલી પડી રહી છે.
સંગઠનના પ્રવક્તાએ સરકારના જ રિપોર્ટનો હવાલો આપીને કહ્યુ છે કે, કોલસાનો ઉપયોગ કરતા 150 થર્મલ પાવર સ્ટેશનમાંથી 81માં કોલસાના સ્ટોકની કટોટી સર્જાયેલી છે. ખાનગી પાવર પ્લાન્ટની સ્થિતિ પણ સારી નથી. આવા 54 પૈકી 28 પ્લાન્ટમાં કોલસાની અછત સર્જાવાની શક્યતા છે.
દેશમાં સૌથી ખરાબ સ્થિતિ રાજસ્થાન અને યુપીની છે.રાજસ્થાનમાં તમામ પ્લાન્ટ પાસે બહુ ઓછો સ્ટોક બ્યો છે. યુપીમાં પણ ત્રણ સરકારી પાવર પ્લાન્ટમાં કોલસાના સ્ટોકની સ્અથિતિ ગંભીર છે. પંજાબમાં પણ એક પ્લાન્ટ પાસે 17 અને એક પાસે ચાર દિવસનો સ્ટોક છે. અન્ય એક પ્લાન્ટ પાસેનો સ્ટોક ખતમ થઈ ચુકયો છે.
યુપીમાં 1200 મેગાવોટ અને હરિયાણામાં 600 મેગાવોટની વીજળી અછત સાંજના સમયે રેકોર્ડ થઈ છે. દરમિયાન સરકારે સપ્લાયની અછતર ભરપાઈ કરવા માટે 10 ટકા મિક્સિંગ કરવા માટે વિદેશથી કોલસો મંગાવવા પર વિચારણા શરૂ કરી છે.