ભાઈના નિધનથી સાજિદ ખાનના જીવનમાં ખાલીપો
મુંબઈ: તેઓ બંનેનું વ્યક્તિત્વ અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ સંગીતના શોખીનો માટે મ્યૂઝિક કમ્પોઝરની જાેડીની હંમેશા એક જ ઓળખ રહી છે-સાજિદ-વાજિદ. કિડનીમાં ઈન્ફેક્શન અને કોવિડ-૧૯ના કારણે વાજિદ ખાનનું ગયા વર્ષે નિધન થયું હોવા છતાં, સાજિદ પોતાના ભાઈને તેના નામથી જીવિત રાખવા માટે દ્રઢ છે. ‘લોકો મને સાજિદ ખાન કહીને બોલાવે તેમ હું ઈચ્છતો નથી. તેથી, મેં વાજિદને અટક તરીકે અપનાવ્યો છે.
હવે, મારું નામ સાજિદ વાજિદ છે અને તે અંત સુધી રહેશે. તે શારીરિક રીતે હાજર નથી તો શું થયું, હું તેની હાજરી હંમેશા અનુભવુ છું. મેં વિચાર્યું હતું નહોતું તેવી ટ્યૂન કમ્પોઝ કરવાનું મેં શરૂ કર્યું છે અને મને લાગે છે કે તે વાજિદના કારણે છે. મને લાગે છે કે વાજિદ મારી સાથે હંમેશા છે’, તેમ સાજિદે કહ્યું. હાલ તેઓ રિયાલિટી શો ઈન્ડિયન પ્રો મ્યૂઝિક લીગમાં વ્યસ્ત છે. કેટલાક સંબંધો મૃત્યુ બાદ પણ જીવંત રહેતા હોય છે,
તે અંગે સાજિદે કહ્યું કે, ‘અમે ત્રણ ભાઈઓ હતા-વાજિદ, જાવેદ અને હું. જ્યારે અમારા પિતા બીમાર હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, તમારા ત્રણની વચ્ચે કોઈ બાબત આવવી જાેઈએ નહીં. અમે તેનું હંમેશા પાલન કર્યું. અમે ભાઈચારાનું ઉદાહરણ બેસાડવા ઈચ્છીએ છીએ. આજના સમયમાં પૈસા, કારકિર્દી અને સત્તાને વધારે મહત્વ આપવામાં આવી છે. ભાઈ-બહેન એકબીજાને મળતા નથી અને બાળકો ઘરડા મા-બાપને સાચવતા નથી. પરંતુ, અમે તેમના જેવા નથી. અમે અમારા પરિવાર સાથે જાેડાયેલા છીએ અને તેમને ખુશ રાખવા તે અમારી પ્રાથમિકતા છે.
હું વાજિદની એટલી નજીક હતો કે, આઈસીયુમાં પીપીઈ કિટ પહેરીને તેને મળવા માટે ગયો હતો. સાજિદે કહ્યું કે, ‘એક સમય એવો હતો જ્યારે મેં વિચાર્યું હતું કે, હું જાે જઈશ તો તેની સાથે જ જઈશ. પરંતુ તેને જાેયા વગર તો નહીં જ જાઉ. તે અવકાશને ભરવું મુશ્કેલ છે. સલમાન ખાન ભાઈનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે અને મુશ્કેલ તબક્કામાંથી નીકળતા તેમણે મને જાેયો છે. જે આત્મવિશ્વાસ મારામાં છે તેનાથી વધારે અંદર બળી રહ્યો છું. ઈન્ડિયન પ્રો મ્યૂઝિક લીગના સેલિબ્રિટી મેન્ટર્સમાંથી એક સાજિદે કહ્યું કે, ‘આ શોમાં કોઈ નવા ચહેરા નથી. દરેક કન્ટેસ્ટન્ટ જાણીતા ચહેરા છે. અન્ય શોથી વિપરીત કન્ટેસ્ટન્ટને તેમના મેન્ટર સાથે અઠવાડિયામાં ચાર દિવસ પસાર કરવા મળે છે.