ભાઈ સાથે બદલો લેવા માટે બંને ભત્રીજાને ધાબાથી ફેંક્યા
સુરત, મોટા ભાઈ સાથે બદલો લેવા માટે, ૨૨ વર્ષના નાના ભાઈએ રવિવારે સાંજે પાંડેસરામાં આવેલા એક ઈન્ડસ્ટ્રિયલ યુનિટના ત્રીજા માળે આવેલા ધાબા પરથી પોતાના બંને ભત્રીજાને ધક્કો માર્યો હતો. એક ભત્રીજાની ઉંમર ૧૩ વર્ષ છે, જ્યારે બીજા ભત્રીજાની ઉંમર ૧૧ વર્ષ છે.
ઝાડ તેમજ થોડા કાદવવાળી જમીન પર પડવાના કારણે બંને છોકરાઓ બચી ગયા હતા. એક પીડિતને હિપ ફ્રેક્ચર થયું હતું અને અન્યના ચહેરા પર સામાન્ય ઈજા પહોંચી હતી. આરોપી નરેન્દ્ર ગૌતમ, કે જે ઉત્તર પ્રદેશનો વતની છે તે હાલ ફરાર છે અને પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દીધો છે.
મોટા ભાઈ જયપ્રકાશે બંને છોકરાઓને મારી નાખવાના કથિત પ્રયાસની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ગૌતમ સામે ગુનો નોંધ્યો હતો. પોલીસને શંકા છે કે, ગૌતમે તેના મોટા ભાઈના બંને દીકરાને એટલા માટે નિશાન બનાવ્યા હતા કારણ કે, આખો પરિવાર એક છોકરી સાથેના તેના સંબંધના વિરુદ્ધમાં હતો.
ગૌતમ એક સગીરા સાથે ભાગી ગયો હતો અને તેને સુરત લઈ આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જયપ્રકાશે સગીરાના પિતાને લોકેશનની જાણ કરી હતી, જે બાદ પરિવાર શહેરમાં આવ્યો હતો અને તે છોકરીને પોતાની સાથે પરત લઈ ગયો હતો. ત્રીજા માળેથી બંને છોકરાઓને ધક્કો માર્યા બાદ, ગૌતમ નાસતા પહેલા જયપ્રકાશને મળ્યો હતો.
પોલીસને શંકા છે કે, ગૌતમે શહેર છોડવાની યોજના બનાવી હશે અને તેથી તે દિશામાં શોધ શરૂ કરવામાં આવી છે. તપાસમાં ખુલાસો થયો હતો કે, જયપ્રકાશ યુનિટી એસ્ટેટમાં આવેલા ટેક્સટાઈલ યુનિટમાં મશિન ઓપરેટર છે અને તે પત્ની તેમજ બંને દીકરા સાથે યુનિટના ત્રીજા માળે રહે છે.
તેની પત્ની હાલ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં આવેલા તેમના વતન ખાગલરામપુરમાં છે. ચાર દિવસ પહેલા, ગૌતમ જયપ્રકાશ અને બંને છોકરા સાથે રહેવા આવ્યો હતો. ‘ગૌતમે તેના ભાઈને તેના પાસે કામ ન હોવાનું અને થોડા દિવસમાં યુપી પરત જવા ઈચ્છતો હોવાનું કહ્યું હતું’, તેમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.SSS