ભાખરવડીના ક્રૂ મેમ્બરના પરિવારને વળતર મળ્યું
મુંબઈ, કોરોના મહામારી દુનિયાની દરેક વ્યક્તિ માટે આઘાત સમાન છે. મહામારીએ લોકોના જીવનમાં મુશ્કેલીનો વંટોળ ઉભો કર્યો છે. હજારો લોકોએ કોરોનાના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે અને લાખો લોકો તેનાથી સંક્રમિત છે. પરંતુ હિંમતભેર મુશ્કેલીઓનો સામનો કરવો અને તેને તકમાં ફેરવી દેવી તે આપણા ડીએનએમાં છે. હાલમાં ટીવી સીરિયલ ‘ભાખરવડી’ના એક ક્રૂ મેમ્બરનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેનું મૃત્યુ થયું હતું.
જો કે, પ્રોડ્યૂસર જે.ડી. મજેઠીયા અને તેની ટીમે ક્રૂ મેમ્બરના પરિવારને વળતર મળે તેની ખાતરી કરવાનું કામ કર્યું. મજેઠીયાએ આ ન્યૂઝની પુષ્ટિ કરતાં કહ્યું કે, એક મહિનાની અંદર તેમની ટીમને મૃતકના પરિવાર માટે ૨૫ લાખ રૂપિયાનું વળતર મેળવવામાં સફળતા મળી. આ વિશે વાત કરતાં પ્રોડ્યૂસર જે.ડી. મજેઠીયાએ કહ્યું કે, ‘અમારી ટીવી સીરિયલ ભાખરવડીના યુનિટ દ્વારા આ શ્રેષ્ઠ ઉદાહરણ પૂરુ પાડવામાં આવ્યું છે.
સીરિયલનું શૂટિંગ ફરી શરુ કર્યા પછી તરત જ યુનિટ એક વિકટ પરિસ્થિતિમાં આવી ગયું. ક્રૂના સાત સભ્યોને કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થયું હતું. પૂરતી કાળજી લીધી હોવા છતાં એકનું મૃત્યુ થયું. બાદમાં શૂટિંગ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ ટૂંક સમયમાં ફરીથી શૂટિંગ શરુ કરવામાં આવ્યું. ક્રૂના તમામ સભ્યોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું અને સાવચેતીના બધા પગલા લેવામાં આવ્યા.
આ સિવાય ક્રૂને દિવસમાં વિટામિનની ૩ ગોળીઓ આપવામાં આવી હતી. વધુમાં મૃતકના પરિવારને ૨૫ લાખ રૂપિયાનું વીમા વળતર મળે તે માટે વીમા કંપનીની સાથે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ગોઠવી દેવામાં આવી હતી. આ વીમા માટેનો કોવિડ રેકોર્ડ છે. ભાખરવડીની ટીમ અને વીમા કંપનીએ જે કામ કર્યું છે તે સરાહનીય છે’. વધુમાં તેણે કહ્યું કે, ‘કોવિડ-૧૯ની હજુ કોઈ સારવાર નથી અને પ્લાઝ્મા થેરાપી ક્રિટિકલ કેસોમાં છેલ્લી સારવાર છે.SSS