ભાજપના એક કરોડ સભ્યો પૈકી કેટલાને સરકારી નોકરી અપાવી
અમદાવાદ, પેજ પ્રમુખોને નોકરી આપવાના ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નિવેદનને ગુજરાતના અત્યાર સુધીના રાજકીય ઈતિહાસનું સૌથી મોટુ જુઠાણું ગણાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ભાજપનો પોતાનો જ દાવો છે કે અમે રાજ્યના તમામ ૪૫,૦૦૦ બુથ માટે બુથ કમિટી બનાવી છે. એ ઉપરાંત દરેક બુથમાં ૩૦ પેજ પ્રમુખો પણ બનાવ્યા છે.
દરેક બુથની પણ પેજ કમિટી બનાવી છે. આ રીતે ગણતરી કરીએ તો કુલ સંખ્યા ૧૪ લાખથી પણ વધુ થઈ જાય છે. ઉપરાંત ભાજપના જ દાવા પ્રમાણે ગુજરાતમાં તેમના સભ્યોની સંખ્યા ૧ કરોડ છે.
કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ વધુમાં ઉમેર્યુ હતું કે મારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પુછવાનું છે કે તમે ભાજપના એક કરોડ સભ્યો પૈકી કેટલાને સરકારી નોકરી અપાવી? સરકારી નોકરી અપાવી હોય તો કઈ ભરતી અંતર્ગત કઈ પરીક્ષામાં પાસ કરાવીને અપાવી? મોઢવાડિયાએ ઉમેર્યું હતું કે ગુજરાત સરકાર કંઈ ભાજપ કે સી.આર.પાટીલની પેઢી નથી.
આ ગુજરાતની જનતાનું પ્રતિનિધિત્વ કરતી ચુંટાયેલ સરકાર છે. ભારતીય બંધારણથી બંધાયેલ સરકાર છે. એ માત્ર કોઈને પણ માત્ર ભાજપના સભ્ય હોવાની લાયકાતના આધારે નોકરી આપીને ગુજરાતના લાયકાત ધરાવતા યુવાનોને અન્યાય ના કરી શકે! ગુજરાતમાં સરકારી અને અર્ઘ સરકારી કર્મચારીઓની જે કુલ જગ્યા મળીને પણ ૧૫ લાખ થતી નથી.
તો શું સી.આર.પાટીલ આ બધી જગ્યાઓ પર માત્ર ભાજપના પેજ પ્રમુખોને જ નોકરી આપવા માંગે છે? તો ગુજરાતના લાયકાત ધરાવતા એ યુવાનોનું શું જેઓ નોકરી માટે વર્ષો સુધી અભ્યાસ કરે છે, વતન અને પરિવારથી દુર રહી પરીક્ષાઓની તૈયારીઓ કરે છે, લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. માતા-પિતા પેટે પાટા બાંધીને પણ તેમને ભણાવે છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ આવા નિવેદનો આપતા ગુજરાતના આ યુવાનોને તેમના સવાલોના જવાબ આપવા જાેઈએ.
કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ઉમેર્યું હતું કે મારી ભાજપના સભ્યોને પણ વિનંતી છે કે તમારા પરિવારમાંથી કોઈને નોકરી ના મળતી હોય તો સી.આર.પાટીલને ફોન કરીને માંગ કરો મારા દિકરાને નોકરી અપાવો, પછી નોકરી મળે છે કે નહીં એ જાહેરમાં આવીને કહે! એટલે આવા જુઠાણાઓ, આવા ખોટા તર્કો આપીને જનતા સાથે છેતરપિંડી ભારતીય જનતા પાર્ટીએ બંધ કરવી જાેઈએ.SSS