ભાજપના કોર્પોરેટરોને કામનું ‘માર્કેટીંગ’ કરવાની સલાહ
( દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, : અમદાવાદ શહેરમાં કોરોના કાળ દરમ્યાન પ્રજાથી વિમુખ થયેલા ભાજપના કોર્પોરેટરોને પ્રજા વચ્ચે રહેવાની અને કામનું માર્કેટીંગ કરવાની સોનેરી શિખામણ મ્યુનિ. કોર્પોરેશનની મંગળવારી બેઠકમાં આપવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
મ્યુનિ. કોર્પોરેશનમાં દર મંગળવારે સત્તાધારી પાર્ટીના પાંચ હોદ્દેદારો તેમજ સબ કમીટી ચેરમેન- ડે. ચેરમેનો વચ્ચે ખાસ બેઠક થાય છે. મંગળવારે સાંજે મળેલી બેઠકમાં ભાજપના પ્રભારી તથા ઉચ્ચ હોદ્દેદારો દ્વારા કોર્પોરેટરોને પ્રજા વચ્ચે જવા માટે સલાહ આપવામાં આવી હતી. વિધાનસભા ચૂંટણી નજીક હોવાથી મનપા દ્વારા કરવામાં આવતા કામોનું “માર્કેટીંગ” કરવા માટે પણ શિખામણ આપવામાં આવી હતી.
કોરોના કાળ દરમ્યાન પ્રજાથી વિમુખ થયેલા કોર્પોરેટરોને પ્રજાની ફરીયાદોના ઝડપથી નિરાકરણ લાવવા માટે પણ સુચના આપવામાં આવી છે. મ્યુનિ. અધિકારીઓ ગાંઠતા ન હોવાની તેમજ ઉચ્ચ અધિકારીઓ કમીટી મીટીંગમાં હાજર રહેતા ન હોવાની ફરીયાદ સત્તાધારી પાર્ટીના કમીટી ચેરમેનો દ્વારા કરવામાં આવી હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.