ભાજપના કોર્પોરેટરો વેકસીન ફોટો સેશનમાં વ્યસ્ત
(દેવેન્દ્ર શાહ દ્વારા)(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પ્રક્રિયા લગભગ બે મહીના પહેલા પુર્ણ થઈ ગઈ છે પરંતુ પ્રજા એ ખોબે-ખોબે મત આપીને જેમને વિજયી બનાવ્યા હતા તેવા નગર સેવકો પ્રજા અને પ્રજાકીય કામોથી લગભગ વિમુખ થઈ ગયા છે તથા છેલ્લા એકાદ મહીનાથી માત્ર વેકસીન “ફોટોસેશન”નું જ કામકાજસંભાળી રહયા હોય તેવો માહોલ જાેવા મળી રહયો છે.
મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રથમ વખત ભાજપાને ૧૬૦ બેઠકો મળી છે. ર૩ ફેબ્રુઆરી પરીણામ જાહેર થયા બાદ ભાજપા દ્વારા હજી સુધી માત્ર પાંચ હોદ્દેદારો અને સ્ટેન્ડીંગ કમીટી સભ્યોની જ નિમણૂંક કરવામાં આવી છે જયારે સબ કમીટી ચેરમેનોની નિમણૂંક પ્રક્રિયા ખોરંભે પડી છે જેના કારણે નવા સવા કોર્પોરેટરો મ્યુનિ. કાર્યપધ્ધતિથી તદ્દન અજાણ છે વોર્ડ હોદ્દેદાર તેમજ સંગઠનમાં મહેનત કરીને કોર્પોરેટર તો બન્યા છે પરંતુ મ્યુનિ. કોર્પોરેશનના “સાત કોઠા” કેવી રીતે ભેદવા તેનું જ્ઞાન હજી સુધી સીનીયરો કે મોવડી મંડળ તરફથી આપવામાં આવ્યુ નથી પરંતુ જે રીતે ચૂંટણી સમયે સોસાયટી કે ચાલીઓમાં જઈને મત માંગ્યા હતા
તે રીતે ફરીયાદ કે સમસ્યાની જાણકારી મેળવી શકે છે પરંતુ ભાજપ સહીત તમામ પાર્ટીના કોર્પોરેટરો હાલ પ્રજાકીય કામોથી દૂર છે ભાજપના કોર્પોરેટરો “વેકસીન” માટે નાગરીકોને સમજાવી રહયા છે તથા વેકસીન લેતા નાગરીકો સાથે ફોટા પડાવી આત્મ સંતોષ માની રહયા છે નાગરીકોને વેકસીન માટે કોઈ તકલીફ ન પડે તે પ્રજાકીય કામ જ છે પરંતુ કોરોના દર્દીના સમયસર ટેસ્ટીંગ થાય તથા તેમને હોસ્પીટલમાં એડમીશન મળે તે જાેવાની ફરજ પણ નગર સેવકોની જ છે. માત્ર પ૦ દિવસ અગાઉ જેમની સામે કેડ તૂટી જાય તે રીતે ઝૂકતા હતા
આજે તે લોકો મદદ માટે ફોન કરે છે પરંતુ તેમના ફોન રીસીવ પણ થતા નથી તેવી ફરીયાદો પણ આવી રહી છે. કોરોનાની પ્રથમ લહેર વખતે જે દૃશ્યો જાેવા મળ્યા હતા તેનું પુનરાવર્તન થઈ રહયુ હોય તેમ લાગી રહયુ છે એક વર્ષ પહેલા પણ કેટલાક કોર્પોરેટરોને બાદ કરતા મોટાભાગના નગરસેવકો “મી. ઈન્ડીયા” બની ગયા હતા જયારે જે લોકોએ પ્રજાની વચ્ચે રહીને સેવા કરી હતી
તેમને પાર્ટીએ “મી. ઈન્ડીયા” બનાવ્યા હોવાના કટાક્ષ થઈ રહયા છે. જાેકે આ તમામ બાબતોને કોરાણે મુકીએ તો મુળ સાર એટલો જ છે કે પ્રજાએ મત આપીને કયો ગુનો કર્યો છે ? કે સારવાર માટે વલખા મારી રહયા છે. ભાજપના કોર્પોરેટરો દિવસ દરમ્યાન જે ત્રણ-ચાર કલાક વેકસીન ફોટોસેશન પાછળ વ્યય કરી રહયા છે તેમાંથી પ૦ ટકા સમય કોરોના દર્દીઓને એડમીશન તેમજ તેમના પરિવારને દવા-ભોજનની વ્યવસ્થા માટે ખર્ચ કરે તે જરૂરી છે તેવી માંગણીઓ પણ થઈ રહી છે.