Western Times News

Gujarati News

ભાજપના ગઢ ઈસનપુર અને વિકાસને બાર ગાઉનું છેટું

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનની હદમાં ૩૫ વર્ષ પહેલા ઈસનપુર વોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો હતો.૧૯૮૬-૮૭થી ૨૦૧૫ સુધી થયેલ તમામ મ્યુનિ.ચૂંટણીમાં ભાજપાનું એકચક્રી શાસન રહ્યું છે. જેના કારણે જ ઈસનપુરને મીની “રાયપુર-ખાડીયા”પણ કહેવામાં આવે છે. ઈસનપુર વોર્ડમાં કોંગી નેતાઓ માત્ર ચૂંટણી સમયે જ જાેવા મળે છે. કોંગ્રેસ નિષ્ક્રિયતાનો લાભ પણ ભાજપને મળી રહ્યો છે. ભાજપનો ગઢ હોવા છતાં આ વિસ્તારમાં પ્રજાલક્ષી કામો થતા નથી. તેમજ ભાજપના ગઢ ઈસનપુર અને વિકાસને બાર ગાઉનું છેટુ રહ્યું છે.પરંતુ કોંગ્રેસ આ મુદ્દો ઉઠાવવામાં પણ નિષ્ફળ રહી છે.

ભારતીય જનતા પાર્ટીના ગઢ સમાન ઈસનપુર વોર્ડ અને વિકાસને બારગાઉનું છેટુ રહ્યું છે. મ્યુનિ.હદમાં ભેળવાયા બાદ છેલ્લા ૩૫ વર્ષથી ઈસનપુરમાં ભગવો લહેરાયો છે. પરંતુ વિકાસની શરૂઆત જ ૩૦ વર્ષ બદા થયો છે. ઈસનપુર વિસ્તારની ટી.પી.સ્કીમો મંજૂર થવામાં વિલંબ થયો હોવાથી વિકાસ રૂંધાયો છે. જ્યારે રાજકીય બિલ્ડરો સાતમા આસમાને બિહારી રહ્યા છે. ઈસનપુર વોર્ડમાં પ્રજાકીય કામો માટે રીઝર્વ પ્લોટ રહ્યા નથી. ઈસનપુર વોર્ડમાં જે વિકાસ થયો છે તે સરકારી જમીન પર જ થયો નથી. આ વિસ્તારની તમામ સરકારી જમીન પર કોમર્શીયલ પ્રકારના બાંધકામ થઇ ગયા છે. જેને તોડવા માટે પાંચ વર્ષ અગાઉ કલેકટર ક્ચેરી દ્વારા નોટિસ આપવામાં આવી હતી. પરંતુ બારોબાર “વ્યવહાર” થઈ ગયા બાદ ફાઈલ અભરાઈએ મૂકાઈ ગઈ છે. સરકારી જમીન પર થયેલ દબાણોના કારણે ટ્રાફિક સમસ્યા પણ વકરી રહી છે. જ્યારે ૧૩૨ ફીટ રીંગ રોડ પરના એક માત્ર કીંમતી રીઝર્વ પ્લોટ પર ઓપન ટુ સ્કાય પાર્કીંગ બનાવવાની ફરજ પડી છે.

ભાજપ દ્વારા તળાવ ડેવલપમેન્ટ માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. પરંતુ ઈસનપુર તળાવ વિકાસ માટે છેલ્લા બે દાયકાથી માત્ર જાહેરાતો થી રહી છે. તળાવ ફરતે ૫૦૦ કરતા વધુ દબાણ થયા છે. જેને દૂર કરવાની તસદી પણ લેવામાં આવી નથી. તેવી જ રીતે ઈસનપુર હાઈવે પર જનમાર્ગ અંતર્ગત તૈયાર કરવામાં આવેલા ફ્લાય ઓવર નીચે પણ દબાણ થઇ રહ્યા હોવાની ફરીયાદ સ્થાનિકો કરી રહ્યા છે. ઈસનપુરમાં છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન ઉડીને આંખે વળગે તેવા કોઈ કામ થયા હોય તો તે મુખ્ય રોડ અને સીનીયર સીટીઝન પાર્ક છે. ગ્રામ પંચાયત સમયના જૂના નળ-બંબાની જગ્યા પર સીનીયર સીટીઝન પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. તેના સિવાય આ વિસ્તારમાં બાગ બગીચા, જીમ્નેશીયમ કે લાયબ્રેરીનો અભાવ જાેવા મળે છે.

પાંચ વર્ષ અગાઉ ૧૩૨ ફીટ રીંગ રોડ પાસે પે એન્ડ યુઝ બનાવવા જાહેરાત થઈ હતી જે હજી તૈયાર થયું નથી. રાજકીય દબાણવશ પ્રાથમિક શાળા પાસે પે એન્ડ યુઝ બનાવવા મંજૂરી આપવામાં આવી હતી જે સ્થાનિકોના વિરોધ બાદ રદ કરવામાં આવી છે.

બ્રહ્મસમાજનો દબદબો
ઈસનપુર વોર્ડમાં પટેલ સમાજના મતદારોની સંખ્યા વધારે હોવા છતાં બ્રહ્મ સમાજના મત નિર્ણાયક રહ્યા છે. તથા ૨૦૨૦થી ૨૦૧૫ની ટર્મ સિવાય દરેક ટર્મમાં બ્રહ્મસમાજના ઉમેદવાર ચૂંટણી જંગ જીત્યા છે. ૧૯૮૬-૮૭માં દક્ષેષ મહેતા, ૧૯૯૫થી ૨૦૦૦માં રમાબેન જાેષી, ૨૦૦૦થી ૨૦૦૫માં રમાબેન જાેષી, ૨૦૦૫થી ૨૦૧૦માં દક્ષેષ મહેતા અને રમાબેન તથા ૨૦૧૫થી ૨૦૨૦માં પુલકિત વ્યાસ ભાજપના બેનર હેઠળ ચૂંટણી જંગ જીત્યા હતા. ૧૯૮૭થી ૯૩ અને ૧૯૯૫થી ૨૦૦૦માં ગોવિંદજી ઠાકોર સૌથી વધુ મતથી ચૂંટણી જંગ જીત્યા હતા. ૧૯૮૬-૮૭માં નવા નિશાળીયા દક્ષેષ મહેતા સામે તે સમયના ધૂરંધર કહી શકાય તેવા સ્વ.રમેશભાઈ પટેલની હાર થઈ હતી જેને આજદિન સુધી સૌથી મોટો અપસેટ માનવામાં આવે છે. ઈસનપુરમાં પટેલ સમાજનું પ્રભુત્વ હોવા છતાં માત્ર બે વખત જ પટેલ સમાજના ઉમેદવાર ચૂંટણી જંગ જીતી શક્યા છે. ૨૦૧૦થી ૨૦૧૫માં ઈસનપુર ગામના ચુસ્ત દશરથભાઈ પટેલ ભાજપમાંથી વિજેતા બન્યા હતા જ્યારે ૨૦૧૫થી ૨૦૨૦માં ગૌતમ પટેલ ભાજપા બેનર હેઠળ ચૂંટણીજંગ જીત્યા હતાં. અન્યથા ઈસનપુરમાં પછાતવર્ગના ઉમેદવારોનો દબદબો રહ્યો છે. ગોવિંદજી ઠાકોર (બે વખત), જગાભાઈ ભરવાડ તથા નરેશ દેસાઈ કોર્પાેરેટરપદે ચૂંટણી જીત્યા હતા. ૨૦૧૫માં થયેલ ચૂંટણીમાં ભજાપની પેનલનો જ્વલંત વિજય થયો હતો.

 

આંકડાકીય માહિતી
ભાડજપ માટે “મીની ખાડીયા”ગણાતા ઈસનપુર વોર્ડમાં કુલ ૯૯૭૫૪ મતદારો છે. જેમાં ૪૯૮૮૯ પુરુષ અને ૪૧૭૭ સ્ત્રી મતદાર છે. ૨૦૧૫ની ચૂંટણી સમયે મતદારોની સંખ્યા ૯૧૬૨૩ હતી. ૨૦૧૫માં ઈસનપુર વોર્ડમાં ૪૧૨૮૪ મતદાતાઓએ મતદાન કર્યું હતું. કુલ ટકાવારી ૪૫.૦૬ ટકા હતી. ૨૦૧૫માં પણ ભાજપને પેનલ જ જીતી હતી. જેમાં જીગીશાબેન ઘડીયાળીને ૨૧૮૧૧, રંજનબેનને ૧૯૫૨૮, ગૌતમભાઈ પટેલને ૨૩૨૮૮ તથા પુલકિતભાઈ વ્યાસને ૨૧૨૨૦ મત મળ્યા હતા. ઈસનપુરમાં સૌથી વધુ ૨૫ હજાર મતદાર પટેલ સમાજના છે. બ્રહ્મસમાજના ૧૫ હજાર મતદારો છે. દલિત સમાજના ૧૧ હજાર, પછાતવર્ગના ૧૫ હજાર તથા હિન્દીભાષી ૦૭ હજાર મતદાર છે. ઈસનપુર વોર્ડમાં રબારી તથા ઠાકોર સમાજના મતો પણ નિર્ણાયક રહ્યા છે.

 

દાવેદાર
ઈસનપુર વોર્ડમાં છેલ્લા ૩૫ વર્ષથી ભાજપ અપરાજિત રહ્યું છે. નવા સીમાંકન તથા અનામત બેઠકોમાં થયેલ ફેરફારના કારણે બે પુરૂષ બેઠક પૈકી એક બેઠક પછાત વર્ગ માટે અનામત જાહેર કરવામાં આવી છે. જ્યારે બે મહિલા બેઠકો પૈકી એક બેઠક મહિલાની એક બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે. તેથી ૨૦૧૫થી ૨૦૨૦ની પેનલમાંથી બે મહિલા કોર્પાેરેટર અને એક પુરુષ કોર્પાેરેટરની બાદબાકી નિશ્ચિત છે. જૂની પેનલમાંથી એક માત્ર ગૌતમભાઈ પટેલ મુખ્ય દાવેદાર રહેશે. આ સિવાય પૂર્વ કોર્પાેરેટર દક્ષેષભાઈ મહેતા, વોર્ડ પ્રમુખ આતીષ પટેલ તથા શાર્દુલ દેસાઈ પણ પુરૂષ સામાન્ય બેઠક માટે હરીફાઈમાં છે. જ્યારે પુરુષ અનામત માટે શંકરભાઈ ચૌધરી, શૈલેષભાઈ પંચાલ તથા સનીભાઈ દેસાઈને દાવેદાર માનવામાં આવી રહ્યા છે. મહિલા અનુસૂચિત જાતિ અનામત બેઠક માટે ભાજપના કાર્યકર જીતુભાઈ સોલંકીના પત્ની મુખ્ય દાવેદાર છે. મહિલા સામાન્ય બેઠક માટે મોનાબેન રાવલ અને રમાબેન જાેષી હરીફાઈમાં હતા. પરંતુ પાર્ટીના નવા નિયમ બાદ રમાબેન જાેષીની દાવેદારી આપોઆપ રદ થઈ શકે છે. જ્યારે કોંગ્રેસમાં હજી કમઠાણ ચાલી રહ્યું છે. બ્રહ્મ સમાજની સંભવિત બાદબાકી મામલે વિરોધ શરૂ થયો છે. કોંગ્રેસ તરફથી પ્રબળ દાવેદારોમાં ભાવેશભાઈ રબારી, જાગેશભાઈ ઠાકોર, નૈનેશ પટેલ, ઉમેશ શાસ્ત્રી, હર્ષ યાજ્ઞીક, જયેશ શર્મા અને અંકિતાબેન પટેલ છે. જાેકે ભૂતકાળમાં હારી ચૂકેલાં ઉમેદવારને ટીકીટ આપવામાં આવશે. તો કોંગ્રેસમાં ભડકો થઈ શકે છે.

 

 

પિતા-પુત્રની જાેડીને હરાવ્યા
ઈસનપુરમાં પાટીદાર સમાજના ૨૫ હજાર અને બ્રહ્મ સમાજના ૧૫ હજાર જેટલા મત છે. તેમ છતાં બ્રહ્મ સમાજના મતો નિર્ણાયક રહ્યા છે. તેમજ દરેક ચૂંટણીમાં બ્રહ્મસમાજના ઉમેદવાર જંગી બહુમતિથી જીત્યા છે. ૧૯૮૬-૮૭માં ગોવિંદજી ઠાકોર અને દક્ષેષ મહેતાની પેનલ જીતી હતી. તેમની સામે તે સમયના ધુરંધર કહી શકાય તેવા ઇસનપુર ગામના સરપંચ સ્વ. રમેશભાઇ પટેલનો પરાજય થયો હતો. ત્યારબાદ ૨૦૦૫માં દક્ષેશ મહેતાની સામે સ્વ.રમેશભાઇના પુત્ર હીરેન પટેલ પણ હારી ગયા હતા. આમ પિતા-પુત્રની જાેડીને હરાવવાનો શ્રેય એકમાત્ર દક્ષેશ મહેતાને મળે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.