ભાજપના પગલે ચાલવાના પ્રયાસમાં કોંગ્રેસમાં ભડકો
ઉમેદવારોની પસંદગીમાં વ્યાપક ખેંચતાણ અને જુથબંધીથી કોંગ્રેસમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ: મતદારોને ધ્યાનમાં રાખ્યા વગર જ ઉમેદવારો પસંદ કરાતા ભાજપને ચોખ્ખો ફાયદોઃ છેલ્લી ઘડીએ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરાતા કેટલાક વોર્ડોમાં ઉમેદવારો સામે પક્ષમાં જ વિરોધ: ભાજપે સફળતા પૂર્વક ડેમેજ કંટ્રોલ સીસ્ટમ લાગુ કરી જયારે કોંગ્રેસના નેતાઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા: ચૂંટણી સમયે જૂથબંધીની પરિસ્થિતિની પરંપરા કોંગ્રેસમાં જળવાઈ રહી |
ગુજરાતમાં પ્રત્યેક ગામડા અને મતદારને આવરી લેતી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચુંટણીઓના ઉમેદવારી પત્રો ભરવાની મુદત પૂર્ણ થઈ ગઈ છે. ઉમેદવારી પત્ર પાછા ખેંચ્યા બાદ ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ બનશે. ભારતીય જનતા પાર્ટીએ આ ચુંટણીમાં નવા નિયમો બનાવ્યા હતા અને તે મુજબ ૬૦ વર્ષથી ઉપરના તથા ત્રણ ટર્મથી વધુ વખત જીતેલા આગેવાનોને ટીકિટ આપવામાં આવી નથી. આ નિયમોના કારણે ભાજપના સંખ્યાબંધ નેતાઓ કપાયા છે. જેના પરિણામે વિરોધ પ્રદર્શન શરૂ થયું હતું પરંતુ ભાજપના મોવડી મંડળે તાત્કાલિક ડેમેજ કંટ્રોલ સીસ્ટમ લાગુ કરી પ્રદેશ નેતાઓને કામે લગાડી દીધા હતા અને તેનું પરિણામ પણ જાેવા મળી રહયું છે. ભાજપમાં યુવાનોને વ્યાપક પ્રમાણમાં તક મળતા પક્ષમાં અનોખો ઉત્સાહ જાેવા મળી રહયો છે અને મતદાનના દિવસ પહેલા પરિસ્થિતિ સંપુર્ણપણે સાફ સુથરી થઈ જશે તે બાબત સ્પષ્ટ છે. શિસ્તબદ્ધ ગણાતી ભાજપમાં આ વખતે નવા નિયમોના કારણે વિરોધ પ્રદર્શન થયું હતું પરંતુ આખરે ઘી ના ઠામમાં ઘી ઢળી પડયું છે તેમ છતાં હજુ પણ કેટલાક સ્થળોએ વિરોધ જાેવા મળી રહયો છે. ભાજપે લીધેલા નિર્ણયને યુવા કાર્યકરોએ આવકાર્યો છે અને હવે આજ નિયમનો વિધાનસભાની ચુંટણીમાં પણ લાગુ કરવાની માંગણી ઉઠી છે. ભાજપમાં નવા નિયમો સાથે પસંદ કરાયેલા ઉમેદવારો મેદાન ઉતર્યા છે અને તેઓનો પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે બીજીબાજુ મુખ્ય હરીફ પક્ષ કોંગ્રેસમાં વિપરીત સ્થિતિ જાેવા મળી રહી છે.
સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચુંટણીઓ કોઈપણ સમયે જાહેર થઈ શકે તેવી સ્થિતિ હતી ત્યારથી જ ભાજપે તમામ પ્રક્રિયાઓ શરૂ કરી દીધી હતી જયારે કોંગ્રેસમાં આ અંગે દેખાવ પુરતી કામગીરી શરૂ કરાઈ હતી ઉમેદવારોની પસંદગીના મુદ્દે કોંગ્રેસમાં પરંપરાગત રીતે ચાલી આવતી જુથબંધીના વરવા દ્રશ્યો આ વખતે પણ જાેવા મળ્યા હતાં. ચુંટણીની તારીખો જાહેર થતાં જ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ હતી અને તબક્કાવાર ઉમેદવારોના નામો પણ જાહેર કરી દેવાયા હતાં. એક માત્ર જામનગરમાં ઉમેદવારો બદલવાની ફરજ પડી હતી અમદાવાદ, સુરત, જામનગર તથા રાજકોટમાં ઉમેદવારો સામે વિરોધ થયો હતો. અમદાવાદમાં શહેર કાર્યાલયની બહાર ટોળા પણ એકત્ર થઈ ગયા હતાં પરંતુ મોવડી મંડળે તાત્કાલિક બાજી સંભાળી લીધી હતી. જયારે બીજીબાજુ તારીખ જાહેર થઈ ગયા પછી કોંગ્રેસે પરંપરાગત રીતે વ્યાપક રજુઆતો અને ટાંટિયા ખેંચની પરિસ્થિતિ વચ્ચે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી હતી.
કોંગ્રેસે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા માટે શરૂ કરેલી કામગીરીમાં કોઈ આયોજન જાેવા મળતું ન હતું પરિણામ સ્વરૂપે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ખૂબ જ વિકટ બની હતી. રજુઆતો કરવા છતાં પણ કેટલાક વોર્ડોમાં જે તે દાવેદારોને ટીકિટ નહી આપવામાં આવી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે જયારે એક આગેવાને તો કોંગ્રેસમાં ટીકિટ રૂપિયા લઈને અપાતી હોવાનો દાવો કરતા પ્રદેશ નેતાઓમાં ખળભળાટ મચી ગયો હતો. અમદાવાદ, સુરત, રાજકોટ સહિત તમામ મહાનગરપાલિકાઓમાં ઉમેદવારોની પસંદગીના મુદ્દે કોંગ્રેસમાં ભારે ખેંચતાણ જાેવા મળી હતી. ટિકિટ માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા કરતા નેતાઓ ભારે દબાણમાં જાેવા મળ્યા હતા જેના પરિણામે આ સમગ્ર પ્રક્રિયા અજ્ઞાત સ્થળ પર શરૂ કરાઈ હતી. કોંગ્રેસમાં ટીકિટ મેળવવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી સ્થાનિક વિસ્તારમાં મહેનત કરતા અને લોકોની વચ્ચે રહેતા કાર્યકરો અને આગેવાનોને ટીકિટ નહી મળી હોવાની પણ ફરિયાદો ઉઠી છે. કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજકોટ કાર્યાલયમાં રોષે ભરાયેલા ટોળાએ તોડફોડ પણ કરી હતી જયારે ટીકિટ નહી મળવાના કારણે કેટલાક લોકોએ આસું સાર્યા હતાં આવા દ્રશ્યો કોંગ્રેસમાં જાેવા મળ્યા છે.
અમદાવાદ મહાનગર પાલિકાના કોંગ્રેસના ઉમેદવારો પર તમામની નજર હતી આ માટે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના કાર્યકરો રજુઆતો કરતા હતા પરંતુ ઉમેદવારોના નામોની યાદી તૈયાર કરવા માટે બેઠેલા નેતાઓએ કેટલાક વોર્ડોમાં રજુઆતોને ધ્યાનમાં લીધી ન હોય તેવું ઉમેદવારો જાેતા લાગી રહયું છે. કોંગ્રેસે અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર જ કરી ન હતી. પક્ષમાં વ્યાપક પ્રમાણમાં અસંતોષને જાેતા પ્રદેશ નેતાગીરીએ પસંદ કરાયેલા ઉમેદવારોને ગઈકાલ રાતથી જ ફોન પર જાણ કરી તેઓને મેન્ડેટ આપવાની પ્રક્રિયા શરૂ કરી હતી ત્યારે બીજીબાજુ સ્થાનિક કાર્યકરો સત્તાવાર ઉમેદવારના નામથી અજાણ હોવાના કારણે દુવિધાભરી સ્થિતિમાં મુકાયા હતા.
કોંગ્રેસે સંખ્યાબંધ બેઠકો પર દબાણના કારણે ઉમેદવારોની પસદગી કરી હોય તેવુ સ્પષ્ટપણે જાેવા મળી રહયું છે. ભાજપની જેમ કેટલાક નેતાઓને કાપી નાંખવા માટે કોંગ્રેસે કવાયત શરૂ કરતા જ ભડકો થયો છે. કોંગ્રેસમાં કાર્યકરોનો મિજાજ કંઈક અલગ જ છે અને તેઓ પોતાનો વિરોધ પ્રદર્શિત પણ કરી શકે છે. જયારે ભાજપમાં તાત્કાલિક વિરોધને ડામી દેવા માટે પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. કોંગ્રેસમાં શરૂ થયેલા વિરોધ વચ્ચે અમદાવાદની સત્તાવાર યાદી જાહેર થઈ ન હતી. ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસ શનિવારે બપોરના ૩.૦૦ વાગ્યે અવધી પૂર્ણ થતાં જ કોંગ્રેસના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ બન્યું હતું અને ઉમેદવારોના નામો જાેતા આગેવાનોએ અનેક વોર્ડમાં વ્હાલા દવલાની નીતિ અપનાવી હોવાનો કાર્યકરો આક્ષેપ કરી રહયા છે. કેટલાક વોર્ડમાં ભાજપની જેમ યુવા ચહેરાઓને તક આપવામાં આવી છે પરંતુ કોંગ્રેસમાં સંખ્યાબંધ બેઠકો એવી છે કે જેમાં ઉમેદવારને પ્રતિસ્પર્ધી કરતા પક્ષના જ આગેવાનોથી ચેતી ને રહેવુ પડે તેવુ જાેવા મળી રહયું છે.
સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે કોંગ્રેસે મણીનગર વિસ્તારમાં એક લઘુમતી કોમની મહિલાને ટીકિટ આપી છે જે ચર્ચાનો મુદ્દો બન્યો છે. અમદાવાદમાં ર૦ થી રર બેઠકો એવી છે કે જે કોંગ્રેસે ભાજપે ધરી દીધી છે. સુરતમાં પણ કોંગ્રેસમાં ભારે ડખો થયો છે. પાસ ના નેતાને છેલ્લી ઘડી આપેલી બાંહેધરી કોંગ્રેસના નેતાઓ નહી પાળતા ધાર્મિક માલવિયાએ ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ ઘડીએ ઈન્કાર કરી દીધો હતો આ ઉપરાંત અન્ય કેટલાક ઉમેદવારોએ પણ ઉમેદવારી પત્ર પાછુ ખેંચી લેવાની તૈયારી બતાવી છે તેથી સુરતમાં પણ કોંગ્રેસમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જાેવા મળી રહી છે. કોંગ્રેસની કપરી પરિસ્થિતિમાં ચિંતાજનક બાબત એ છે કે ઔવેસીની એઆઈએમઆઈએમ પાર્ટીએ શહેરના ૬ વોર્ડમાં ર૧ ઉમેદવારોને ટીકિટ આપી છે. આ પૈકીની મોટાભાગની બેઠકો કોંગ્રેસના ગઢ સમાન છે. ઔવેસીની પાર્ટીએ ચાર કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરને ચુંટણીના જંગમાં ઉતાર્યા છે. છ વોર્ડમાં કુલ ર૧ ઉમેદવારો ઉભા રાખ્યા છે જેમાંથી ૪ વોર્ડમાં આખી પેનલો ઉભી રાખી છે જયારે દરિયાપુરમાં ત્રણ અને ખાડિયામાં બે ઉમેદવારોને ઉભા રાખ્યા છે. ઔવેસીના ઉમેદવારો કોંગ્રેસને સ્પષ્ટપણે નુકસાન પહોંચાડશે.