ભાજપના બે MLAએ હત્યા કેસમાં વિકાસની ભલામણ કરી હતી
વિકાસની પોલીસ પુછપરછનો જૂનો વિડિયો વાયરલ – ડોન કેવી રીતે બન્યો તે પુરાવો સામે આવતા ખળભળાટ
લખનૌ, ઉત્તરપ્રદેશમાં વર્ષ ૨૦૦૧માં ભાજપના જિલ્લા અધ્યક્ષ અને રાજ્યકક્ષાના મંત્રી સંતોષ શુકલાની હત્યા સહિત ૬૨ જેટલા ગંભીર ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયા હોવા છતાં વિકાસ દુબે કેવી રીતે કાયદાથી બચીને ગુંડાગીરી આચરતો રહ્યો?નો સવાલ કાનપુરની ચકચારી ઘટના બાદ ચર્ચાની એરણે રહ્યો છે.
હાલ તેની પર ઉત્તરપ્રદેશ પોલીસના એક પોલીસ અધિક્ષક સહિત કુલ ૮ પોલીસ કર્મચારીઓની હત્યાનો આરોપ છે, તેવા કુખ્યાત ગુનેગાર વિકાસ દુબેનો વર્ષ ૨૦૧૭નો એક વિડિયો સામે આવ્યો છે. જેમાં તે એક હત્યાના કેસમાં પોલીસના સવાલોનો જવાબ આપતો નજરે પડે છે. આ વિડિયોમાં વિકાસ જાતે જ કહે છે કે તેના માટે ભાજપના બે ધારાસભ્યોએ ભલામણ કરી હતી. વિડિયોમાં વિકાસ એસટીએફના એક અધિકારીની ઉલટતપાસમાં જવાબ આપતો નજરે પડે છે.
જેમાં વિકાસ એમ પણ કહે છે કે તેને આ હત્યા કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે. પોલીસ અધિકારી સમક્ષ નિવેદન આપતા વિકાસ દુબેએ જણાવ્યુ હતુ કે મેં અમારા સ્થાનિક નેતાઓને કહ્યુ હતુ કે મારી ભલામણ કરો. જેમાં ધારાસભ્ય ભગવતી પ્રસાદ સાગર, ધારાસભ્ય અભિજિત સાંગા, કાનપુર તાલુકા પ્રમુખ રાકેશ કમલ અને જિલ્લા પંચાયત પ્રમુખ અને અન્ય કેટલાક સરંપચોનો પણ સમાવેશ થાય છે. આ લોકોએ તેમ કર્યું પણ હતુ.
વિકાસ દુબે આ નેતાઓની સાથે તેની ટેલિફોનિક વાતચીત નહીં આવવા-જવાનો પણ સંબંધ હોવાની વાતનો પણ સ્વીકાર કરતો નજરે પડે છે. કાનપુરના કુખ્યાત વિકાસ દુબેના કાળા કારનામાઓ અને સામાન્ય ગુંડામાંથી ડોન બનાવવામાં ભાજપના બે નેતાઓની ભૂમિકા બહાર આવતા રાજ્યના રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો હતો. જેના પગલે બંને ભાજપ નેતાઓ પણ જવાબ આપવા મેદાનમાં આવ્યા હતા.
ભાજપના વર્તમાન ધારાસભ્ય ભગવતી સાગરે વિકાસ દુબેને સંરક્ષણ આપવાના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. બિલ્હૌર બેઠખ પર ભાજપના ધારાસભ્ય બનનારા સાગરે વધુમાં જણાવ્યુ કે દુબે એક ચબરાક અને મોટો આરોપી છે અને તે કોઈપણનું નામ લઈ શકે છે. તેણે વર્ષ ૨૦૧૭ની ચૂંટણીમાં મારી વિરુદ્ધ જ કામ કર્યુ હતું. તેણે બસપાના ઉમેદવાર કમલેશ દિવાકરને છડેચોક સાથ આપ્યો હતો. તેણે મતદાનના દિવસ સુધી લોકોમાં ભયનો માહોલ રાખ્યો હતો. જેના પગલે મને જ નુકસાન થયુ હતુ. મેં કયારેય તેના માટે કોઈપણ પ્રકારની ભલામણ કરી નથી.
જો મેં તેના માટે ક્યારેય ભલામણ કરી હોય તો, જે પણ સખ્તમાં સખ્ત સજા હોય તે મને આપવામાં આવે. તેમની જેમ બિઠૂરના ભાજપના ધારાસભ્ય અભિજિત સાંગાએ પણ વિકાસ દુબેના આ વિડિયોને જુઠ્ઠો ગણાવ્યો હતો. તેમણે જણાવ્યુ કે વિકાસ દુબે શાતિર ગુનેગાર છે અને તેના દ્વારા અત્યાર સુધીમાં અનેક મોટી ઘટનાઓને પાર પાડી ચૂક્યો છે. પોલીસ કાર્યવાહીથી બચવા માટે તેણે મારુ અને બિલ્હૌર ધારાસભ્યનું નામ લીધું છે.
મારો તેની સાથે કોઈ સંબંધ નથી. વાયરલ વિડિયોમાં એસટીએફ દ્વારા વિકાસની પુછપરછ થઈ રહી છે. જો હું ખોટો હોત તો, મારી ઉપર તેજ સમયે કાર્યવાહી કરવામાં આવી હોત. વિકાસ દુબે હાલ તો ભુગર્ભમાં ઉતરી ગયો છે. ઉત્તરપ્રદેશ પોલીસે તેને દબોચી લેવા ૬૦થી વધુ તપાસ ટીમો મેદાનમાં ઉતારી હોવા છતાંય ત્રણ દિવસથી તેની નિકટ પહોંચી શકી નથી. ત્યારે રાજ્ય પોલીસ વડાએ ત્રીજીવાર તેના માથા પરના ઈનામની રકમ વધારી છે.
યૂપી પોલીસને ચકમો આપીને નાસી છુટેલા વિકાસ દુબેની જાણકારી આપનારા માટેની ઈનામી રકમ વધારીને હવે ૨.૫૦ લાખ કરી દેવાઈ છે. રવિવારે તેને ૫૦ હજારથી રૂ. એક લાખ કરાઈ હતી. ગત તા.૩જી જુલાઈએ યૂપી પોલીસ આ નામચીન હિસ્ટ્રીશીટર વિકાસ દુબેને પકડી પાડવા રાÂત્રના સુમારે ત્રાટકી હતી. પરંતુ જેવી જ પોલીસની ટુકડીઓ ગામની પાસે પહોંચી તો તેના સશ† સાગરિતોએ પોલીસ ટીમોને જ ઘેરીને હુમલો કરી દીધો હતો. જેમાં ૮ પોલીસ કર્મચારીઓ શહીદ થયા હતા.