ભાજપના સ્નેહમિલન પૂર્વે જામનગર ભાજપમાં વિવાદ?

જામનગર, ગુજરાતમાં ભાજપના સ્નેહમિલન દરમ્યાન અનેક શહેરોમાં અંદરો-અંદરની ખટપટો કે વિખવાદ ક્યાંકને ક્યાંક સામે આવી રહ્યા છે. ત્યારે જામનગરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટિલની ઉપસ્થિતિમાં આજે ભારતીય જનતા પાર્ટીનું સ્નેહમિલન યોજાઈ રહ્યું છે. તે પૂર્વે જ ભાજપમાં આંતરિક સંકલનનો અભાવ હોય કે કલેહ હોય તેવું સામે આવ્યું છે.
જામનગરમાં ભાજપના સ્નેહમિલનમાં એક જ કાર્યક્રમની શહેર-જિલ્લાની અલગ પત્રિકા અને તેમાં પણ એક પત્રિકામાં કૃષિ મંત્રીના નામની બાદબાકી જાેવા મળી છે. જામનગરમાં ઓશવાળ સેન્ટરમાં ભારતીય જનતા પાર્ટીના શહેર અને જિલ્લાના સંયુક્ત સ્નેહમિલન કાર્યક્રમ પૂર્વે એક જ કાર્યક્રમની ભાજપની બે આમંત્રણ પત્રિકાઓ સામે આવી છે.
જામનગરમાં જિલ્લા અને શહેરનું સાંજે ભાજપનું સ્નેહમિલન યોજાવાનું છે. જેમાં જિલ્લાના સ્નેહમિલનના કાર્ડમાં કૃષિમંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિ દર્શાવાઇ છે. તો શહેર ભાજપના સ્નેહમિલનના કાર્ડમાં કૃષિમંત્રી રાઘવજી પટેલનું નામ જ દર્શાવવામાં આવ્યું નથી.
ગુજરાતમાં જે પ્રકારે ભાજપમાં અન્ય શહેરોમાં સ્નેહમિલન દરમિયાન અંદરો અંદરના વિવાદ સામે આવ્યા છે ત્યારે હાઈ કમાન્ડ દ્વારા આ વિવાદો ઠાળે પાડવામાં આવી રહ્યા છે. તેવા સમયે જામનગરમાં પણ આજે સાંજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટિલની ઉપસ્થિતિમાં યોજાવા જઇ રહેલા સ્નેહમિલન પૂર્વે વધુ એક વિવાદ સામે આવ્યો છે.