ભાજપની આવક ૫૦ ટકા વધી પરંતુ સામાન્ય જનતાની નહીં: રાહુલ

નવીદિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. પ્રશ્નાર્થ સાથે રાહુલ ગાંધીએ કહ્યું છે કે ભાજપની આવકમાં ૫૦ ટકાનો વધારો થયો છે, પરંતુ સામાન્ય લોકોની આવકમાં કોઈ વધારો થયો નથી. વાસ્તવમાં, રાહુલ ગાંધીએ તેમના ટિ્વટમાં એડીઆર રિપોર્ટનો ઉલ્લેખ કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૧૯ અને ૨૦૨૦ ની વચ્ચે ભારતીય જનતા પાર્ટીની આવકમાં ૫૦ ટકાનો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, ભાજપને ચૂંટણી બોન્ડ દ્વારા મોટુ દાન મળ્યું છે.
રાહુલ ગાંધીએ શનિવારે ભારતીય જનતા પાર્ટી પર કટાક્ષ કર્યો અને પૂછ્યું, ‘ભાજપની આવક ૫૦ ટકા વધી છે અને તમારી?’ પોતાના ટિ્વટમાં રાહુલ ગાંધીએ એડીઆર રિપોર્ટનો સ્ક્રીન શોટ પણ મુક્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ભાજપની આવકમાં વધારો થયો છે.
એડીઆરને ટાંકીને રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભાજપે તેની કુલ આવક ૩૬૨૩.૨૮ કરોડ રૂપિયા જાહેર કરી છે અને મહત્તમ દાન ચૂંટણી બોન્ડ દ્વારા આવ્યું છે. ઉલ્લેખનિય છે કે ચૂંટણી બોન્ડને શરૂઆતથી સતત વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે આ બોન્ડથી ભાજપને મળી રહેલું દાન અધધ રીતે વધી રહ્યું છે ત્યારે હવે ભાજપ વિપક્ષના નિશાના પર છે. રાહુલ ગાંધી સહિતના નેતાઓ ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે.HS