ભાજપની જૂથબંધી દૂર કરવા સંઘનું ભોજન પોલિટિક્સ
નવીદિલ્હી: ઉત્તર પ્રદેશમાં ભાજપની જૂથબંધી દૂર કરવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ‘રાત્રિ ભોજ’ કાર્યક્રમ શરૂ કરશે. યુપીના ગામેગામ હાથ ધરાનારા આ કાર્યક્રમમાં એકબીજા સાથે ઉભા રહ્યે પણ ન બનતું હોય એવા નેતાઓ તથા કાર્યકરોને એક મંચ પર લાવીને લોકેને મેસેજ અપાશે કે, ભાજપમાં બધા એક છે, કાર્યકરોમાં મતભેદ હોઈ શકે છે પણ મનભેદ નથી. સંઘ બીજા સામૂહિક કાર્યક્રમ પણ કરીને ઝગડતા નેતાઓને એક મંચ પર લાવશે.યુપીમાં હાલ ભાજપમાં મતભેદ ચાલી રહ્યાં છે.
યુપીમાં યોગી આદિત્યનાથ અને કેશવ પ્રસાદ મૌર્યનાં જૂથ સામસામે છે. મૌર્ય મુખ્યમંત્રીપદે નક્કી હતા પણ યોગીએ હાઈકમાન્ડને ચીમકી આપીને મુખ્યમંત્રીપદ આંચકી લીધું હતું. મૌર્ય આ વખતે મુખ્યમંત્રીપદ કબજે કરવા બધી તાકાત લગાવી રહ્યા છે તેના કારણે ભાજપની હાલત ખરાબ છે તેથી સંઘે મેદાનમાં આવવું પડયું છે.
સંઘે યોગી અને મૌર્યને સાથે જમાડીને આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. સંઘના ડો. કૃષ્ણ ગોપાલે પોતે યોગીને મૌર્યના ઘરે બોલાવીને બંને વચ્ચે મતભેદ નહીં હોવાની છાપ ઉભી કરવા કરેલા પ્રયત્નોને સફળતા મળતાં રાજ્ય સ્તરે આ કાર્યક્રમ થશે.