ભાજપની બંગાળના પ્રભારી તરીકે સ્મૃતિ ઈરાનીને મૂકવા વિચારણા
કોલકતા: ભાજપ પશ્ચિમ બંગાળના પ્રભારી તરીકે કૈલાસ વિજયવર્ગીયને સ્મૃતિ ઈરાનીને મૂકવા વિચારી રહ્યો છે. બંગાળમાં ભાજપની કારમી હાર પછી વિજયવર્ગીયે પોતાને પ્રભારીપદેથી મુક્ત કરીને મધ્ય પ્રદેશના રાજકારણમાં ભૂમિકા સોંપવા હાઈકમાન્ડને વિનંતી કરી હતી. વિજયવર્ગીયને મધ્ય પ્રદેશના રાજકારણમાં તો નહીં મોકલાય પણ બંગાળથી હટાવવા મોદી તૈયાર છે. વિજયવર્ગીયને રાષ્ટ્રીય સ્તરે સંગઠનમાં સક્રિય રખાશેને સ્મૃતિને બંગાળ મોકલાશે એવો ભાજપનાં સૂત્રોનો દાવો છે.
સ્મૃતિની કેન્દ્રીય મંત્રી તરીકેની કામગીરી અત્યંત નબળી છે. મોદીના કારણે કોઈ જાહેરમાં બોલતું નથી પણ ભાજપમાં અંદરખાને સ્મૃતિને છાવરવા સામે વ્યાપક અસંતોષ છે. સ્મૃતિને બંગાળ મોકલી મોદી ટાઢા પાણીએ ખસ કાઢીને અસંતોષને ઠારી શકશે.
ભાજપના મોટા ભાગના નેતા બંગાળી બોલી શકતા નથી અને બંગાળી સંસ્કૃતિ વિશે ખબર નથી તેથી બંગાળમાં સ્વીકૃત નથી એવું ભાજપના ઈલેક્શન એનાલિસિસમાં બહાર આવ્યું છે. સ્મૃતિનાં માતા શિબાની બાગચી બંગાળી છે તેથી સ્મૃતિ અસ્ખલિત બંગાળી બોલી શકે છે અને બંગાળી કલ્ચરના પણ જાણકાર છે. આ કારણે તે મમતાને બરાબર ટક્કર આપી શકશે.