ભાજપની વિવિધ મોરચાના પ્રદેશ પ્રમુખોની જાહેરાત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/BJP.jpg)
અમદાવાદ, પ્રદેશ ભાજપે આજે વિવિધ મોરચાના પ્રમુખોની જાહેરાત કરી છે. પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સી આર પાટીલે ૪ મહામંત્રીઓને ઝોન વાઈઝ જવાબદારી સોંપી છે તો સાથે જ ૭ મોરચાના પ્રમુખોની પણ જાહેરાત કરી છે. મોરચાઓના તમામ પ્રમુખોને બદલવામાં આવ્યા છે. મહામંત્રીઓને જે પ્રમાણે જવાબદારી આપી છે તે જાેતા પ્રદીપસિંહ વાઘેલાનું કદ સીધું જ વધ્યું છે. પ્રદીપ સિંહ વાધેલાને દક્ષિણ ઝોન ઉપરાંત અમદાવાદ મહાનગર અને પ્રદેશ કાર્યાલયની જવાબદારી સોંપવામાં આવી છે.
પ્રદીપસિંહ વાઘેલાને મહામંત્રી પદે પ્રમોશન અપાયા બાદ ઝોન વાઈઝ જવાબદારીઓ સાથે અમદાવાદ મહાનગર કે જે સૌથી મોટું સંગઠન છે તેની પણ જવાબદારી સોંપવામાં આવી છે તો સાથે જ પ્રદેશ કાર્યાલયની પણ જવાબદારી તેમની રહેશે. મધ્ય ઝોનની જવાબદારી ભાગર્વ ભટ્ટને તો કચ્છ અને ઉત્તર ઝોનની જવાબદારી રજનીભાઈ પટેલને સોંપી છે.
સૌરાષ્ટ્રની જવાબદારી સાંસદ અને મહામંત્રી વિનોદ ચાવડાને સોંપવામાં આવી છે. ભાજપમાં મહામંત્રીઓની ભૂમિકા હંમેશા મહત્વની રહી છે કારણ કે મહામંત્રી પ્રદેશ અધ્યક્ષની આંખ-કાન અને ચહેરા તરીકે કામ કરે છે.
ચૂંટણીલક્ષી અને સંગઠનલક્ષી જવાબદારીઓ માટે મહામંત્રીઓને ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. ભાજપના મહામંત્રીઓને ઝોન વહેંચવા ઉપરાંત ૭ મોરચાઓના નવા પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. નવા પ્રમુખોમાં યુવા અને અનુભવી ચહેરાઓનો સમન્વય જાેવા મળી રહ્યો છે. વર્ષોથી ભાજપમાં કાર્યરત અને સક્રિય ચહેરાઓને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે.
જેમાં મહિલા મોરચાના પ્રમુખ તરીકે યુવા ચહેરા ડૉ. દીપીકા સરડવાને જવાબદારી આપી છે. જેઓ વ્યવસાયે પ્રોફેસર હતા. સામાજીક અગ્રણી તરીકે કાર્યરત છે. અમદાવાદ જિલ્લા ભાજપ મહિલા મોરચામાં કોર્ડીનેટર તરીકે જવાબદારી નિભાવી છે.
ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે પ્રશાંત કોરાટની પસંદગી કરવામાં આવી છે. પૂર્વ મંત્રી જશુમતીબેન કોરાટના પુત્ર છે પ્રશાંત કોરાટ. યુવા મોરચાના રાજકોટ પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી છે.
બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે ઉદય કાનગડની પસંદગી કરવામાં આવી છે. ઉદય કાનગડ આ પહેલા રાજકોટ ભાજપના મહામંત્રી તરીકે કામગીરી કરી ચૂક્યા છે. બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી પણ રહી ચૂક્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના મેયર અને સ્ટેન્ડીંગ ચેરમેન રહી ચૂક્યા છે. સૌથી નાની વયના રાજકોટના મેયર તરીકે સફળ કામગીરી કરી હતી. હવે તેઓ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખની જવાબદારી નિભાવશે.
અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે ડો. પ્રદ્યુમન વાઝાની પસંદગી કરવામાં આવી છે. જેઓ વ્યવસાયે ગાયનેકોલોજીસ્ટ છે. વર્ષોથી રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ સાથે જાેડાયેલા છે. સંઘ પરિવારમાં સામાજીક સમરસતાનું કામ કર્યું. તબીબી જગતની નામાંકિત સંસ્થા એનએમઓમાં વર્ષો સુધી સક્રિય હતા. પણ હજુ સુધી તેઓ ચૂંટણીલક્ષી રાજકારણથી દૂર રહ્યા હતા.
અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખ તરીકે હર્ષદ વસાવાને જવાબદારી આપી છે. જેઓ ગુજરાત સરકારના મંત્રી રહી ચૂક્યા છે. પૂર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવાને પક્ષે મોરવાહડફ બેઠક ચૂંટણી ઈન્ચાર્જ તરીકે જવાબદારી આપી છે. તો આદિવાસીઓ માટેના કેન્દ્રીય બોર્ડમાં પણ મહત્વની જવાબદારી નિભાવી ચૂક્યા છે.