Western Times News

Gujarati News

ભાજપમાં સીનીયરો માટે રોટેશન પદ્ધતિનો અમલ થાય તેવી શક્યતા

પ્રતિકાત્મક

બે પૂર્વ મેયર ચૂંટણી નહિં લડે અન્ય બે માટે પક્ષ નિર્ણય કરશે

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનની ચૂંટણી જાહેર થતા જ ભાજપ અને કોંગ્રેસના કાર્યાલયો પર નેતાઓ અને કાર્યકરોના મેળાવડા શરૂ થઈ ગયા છે. તેમજ ટિકિટ વાંચ્છુકોની લાંબી કતાર લાગી રહી છે. સત્તાધારી પાર્ટી ભાજપમાં વોર્ડ દીઠ ૧૦૦ જેટલા બાયોડેટા આવ્યા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. સતત પાંચ-છ ટર્મ સુધી કોર્પાેરેટરપદે રહ્યા બાદ પણ કેટલાક લોકોને સત્તાનો મોહ છુટતો નથી. પરંતુ અમદાવાદના બે પૂર્વ મેયરોએ ચૂંટણી ન લડવા જાહેરાત કરી છે.

નવા ચહેરાઓને તક મળે તે હેતુથી ભાજપના બે પૂર્વ મેયર ઉમેદવારીની હોડમાંથી ખસી ગયા છે. જ્યારે અન્ય બે પૂર્વ મેયરોને પાર્ટી દ્વારા ખસેડવામાં આવે તેવી શક્યતા જાેવા મળી રહી છે. સીનીયર કોર્પાેરેટરોને હોદ્દો ન મળતા તેઓ બેબાકળા બની જાય છે. જેની અસર નવા કોર્પાેરેટરોના પરફોર્મન્સ પર થતી હોવાની નોંધ પ્રદેશ ભાજપ દ્વારા લેવામાં આવી છે. તેથી સીનીયરોમાં “રોટેશન” પદ્ધતિનો અમલ થશે તેવી વાતો પણ વહેતી થઈ છે.

અમદાવાદ શહેરના પૂર્વ મેયર અને નારણપુરાના કોર્પાેરેટર ગૌતમભાઈ શાહે મ્યુનિ.ચૂંટણી ન લડવા માટે જાહેરાત કરીને સહુને ચોંકાવ્યા છે. ગૌતમભાઈ શાહના જણાવ્યા મુજબ તેઓ ચાર ટર્મ સુધી કોર્પાેરેટરપદે રહ્યા છે. તથા પાર્ટીએ “મેયર”નો સ-માન્ય હોદ્દો પણ આપ્યો છે. તેથી હવે નવા ચહેરાને તક મળે તે આશયથી તેઓ કોર્પાેરેટરપદની દાવેદારીથી દૂર રહ્યા છે.

પાર્ટી દ્વારા તેમને જે સન્માન મળ્યું છે તે પરત આપવાનો સમય આવી ગયો છે. તેથી તેઓ પાર્ટી દ્વારા જે પણ જવાબદારી સોંપવામાં આવશે તે નિભાવશે. જાેધપુર વોર્ડના કોર્પાેરેટર અને પૂર્વ મેયર મીનાક્ષીબેન પટેલે પણ આ કારણોસર જ ચૂંટણી ન લડવા માટે નિર્ણય કર્યા છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

ભારતીય જનતા પાર્ટીમાં થતી ચર્ચા મુજબ પાંચ-છ ટર્મ પૂર્ણ થઇ હોય તેમની ટિકિટ કપાઈ શકે છે. પરંતુ તેના કારણે મનપામાં “અનુભવ”નો જે અવકાશ ઉત્પન્ન થશે તેને “અનુભવ”થી જ ભરવામાં આવશે. મતલબ કે, ૨૦૧૦ અને ૨૦૧૫માં જે સીનીયરોની ટિકિટ કાપવામાં આવી હતી તે પૈકી કેટલાકને ફરીથી તક મળશે જેની સામે હોદ્દેદારો તથા અન્ય ચાર-પાંચ સીનીયરોની બાદબાકી થઈ શકે છે. પાર્ટી સીનીયરો માટે “રોટેશન” પદ્ધતિ અપનાવી શકે છે.

૨૦૨૦માં પૂર્વ કોર્પાેરેટર મહાદેવ દેસાઈ તથા બાબુભાઈ ઝડફીયાને મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે. મ્યુનિ. કોર્પાેરેશનમાંથી સીનીયરોની બાદબાકી કરવા માટે ખાસ તર્ક આપવામાં આવી રહ્યો છે. જે સીનીયરો ઉચ્ચ હોદ્દા પર રહી ચૂક્યા છે તેમને કોઈ પદ આપવામાં ન આવે ત્યારે મ્યુનિ.ભવનના ભાજપ કાર્યાલયમાં “ખાણ-ખોદ” કમીટીની આપમેળે રચના થઈ જાય છે તથા નવા હોદ્દેદારો દ્વારા લેવામાં આવતા નિર્ણયોની ટીકા કરવી તેમજ આંતરીક બાબતો લીક કરવી જેવા એજન્ડા પર કામ કરવામાં આવે છે.

જેના કારણે, મ્યુનિ.કોર્પાેરેશનમાં બે-ત્રણ જૂથ થઇ જાય છે. તેની સીધી અસર “પર્ફાેર્મન્સ” પર થાય છે. તેથી મ્યુનિ.કોર્પાેરેશનમાં કોઈ કોર્પાેરેટરો કે ઉચ્ચ નેતાના એકતરફી ચાલી રહેલા શાસન બંધ થાય તે દિશામાં ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમજ અગત્યના કામોની ફાઈલો પર કોઈના ઘરે ચર્ચા કરવાના બદલે પાર્ટી કાર્યાલય પર ચર્ચા થાય અને નિર્ણય લેવામાં આવે તે દિશામાં પણ કામ કરવામાં આવશે તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.