ભાજપમાં ૬૦ વર્ષથી વધુ અને ૩ ટર્મથી વધુ ચૂંટાયા હોય તેમને ટિકિટ નહીં
આડેધડ ટિકિટ માગનારાઓ પર નિયમોની તરાપ-પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં આગેવાનોના સગા-સબંધીઓને પણ ટિકિટ નહીં આપવાનો નિરણય લેવાયો
ગાંધીનગર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ટિકિટ માટે દાવેદારો પડાપડી કરી રહ્યા છે. તેવામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ટિકિટોને લઈને મહત્વપુર્ણ નિવેદન આપ્યું છે. પાટીલે જણાવ્યું કે ૬૦ વર્ષથી ઉપરના વ્યક્તિને ભાજપની ટિકિટ આપવામાં આવશે નહીં.
સાથે જ ૩ ટર્મથી વધુ વાર ચૂંટાયા હશે તે લોકોને પણ ભાજપ ટિકિટ નહીં આપે. આ ઉપરાંત પાટીલે એમ પણ જણાવ્યું છે કે હોદ્દેદારો અને આગેવાનોના કોઈપણ સગાને ટિકીટ નહીં આપવામાં આવે.
આજે મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં અને પ્રદેશ પ્રમુખ પાટીલની અધ્યક્ષતામાં મળેલી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો હતો. પાટીલે કહ્યું કે, પાર્લામેન્ટ્રી બોર્ડમાં ત્રણ મહત્વનાં ર્નિણય લેવામાં આવ્યા છે કે ૬૦ વર્ષથી વધુ ઉંમરનાં કાર્યકર્તાઓને ટિકિટ આપવી નહીં, જેમની ૩ ટર્મ પૂરી થઇ ગઇ હોય એમને ટિકિટ નહીં આપવી અને આગેવાનોનાં સગા-સંબંધીઓને ટિકિટ આપવી નહીં.
ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત બાદ સતત ટિકિટ માટે નેતાઓ દાવેદારી કરી રહ્યા છે. ભાજપના હોદ્દેદારોએ પણ ટિકિટ લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેવામાં સીઆર પાટીલની આ જાહેરાત ચૂંટણી લડવા માગતા અનેક નેતાઓના સપનાં પર પાણી ફેરવી દે છે.
પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ત્રણ મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા : પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જી pic.twitter.com/TxuK9641rr
— C R Paatil Office, BJP Gujarat President (@PatilOffice) February 1, 2021
હવે જાેવાનું રહેશે કે બીજેપીની લિસ્ટમાં કોને કોને ટિકિટ આપવામાં આવશે. અને ટિકિટ ન મળ્યા બાદ ભાજપની અંદર બળવો થશે કે કેમ. ભાજપમાં ટિકિટ વાંચ્છુકોનું લિસ્ટ ઘણું મોટું છે. કેબિનેટમંત્રી કુંવરજી બાવળીયાએ પોતાના બેન માટે ટિકિટ માંગી છે. મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પત્ની માટે ટિકિટ માંગી છે.
વાઘોડિયાના ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવએ પુત્ર દીપક શ્રીવાસ્તવ માટે ટિકિટ માંગી છે. ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પુત્ર ધ્રુમિલ મહેતા માટે ટિકિટ માંગી છે. સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવીએ પુત્ર દિવ્યાંગ તડવી માટે ટિકિટ માંગી છે. જ્યારે સાંસદ રંજન ભટ્ટે પોતાની બહેન પન્નાબેન દેસાઈને રીપીટ કરવા ભલામણ કરી છે. પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાએ પુત્રી માટે ટિકિટ માંગી છે.