ભાજપે પીડીપીની ઓફિસ ઉપર રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો
જમ્મુ, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીના ત્રિરંગા પરના નિવેદન પર હોબાળો મચેલો છે. સોમવારે સવારે શ્રીનગરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ શ્રીનગરમાં મહેબૂબા મુફ્તી વિરુદ્ધ પ્રદર્શન કર્યા. કુપવાડાના ભાજપા કાર્યકર્તાઓએ શ્રીનગરના પ્રખ્યાત લાલ ચોક પર ત્રિરંગો ફરકાવવાનો પ્રયત્ન કર્યો છે. લાલ ચોકના ક્લોક ટાવર પર કુપવાડાના ભાજપા કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. પોલીસે વિરોધ પ્રદર્શન કરનારા ભારતીય જનતા પાર્ટીના ચાર કાર્યકર્તાઓની ધરપકડ કરી લીધી છે. ભાજપા તરફથી સોમવારના રોજ જમ્મુના અલગ-અલગ વિસ્તારમાં ત્રિરંગો ફરકાવવા માટેની રેલીઓ કાઢવામાં આવી હતી.
જમ્મુના અન્ય વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પીડીપી કાર્યાલય પર ત્રિરંગો ફરકાવ્યો હતો અને ભારત માતાની જયના નારા લગાવ્યા હતા. આ અગાઉ રવિવારના રોજ પણ એબીવીપીના કાર્યકર્તાઓએ જમ્મુમાં પીડીપીના કાર્યાલય બહાર નારા લગાવ્યા હતા. પીડીપીની ઓફિસ બહાર ત્રિરંગો લહેરાવ્યો હતો અને નારા પણ લગાવ્યા હતા.
નોંધનીય છે કે એબીવીપી એ ભાજપ સાથે જોડાયેલ એક વિદ્યાર્થી સંગઠન છે. નોંધનીય છે કે મહેબૂબા મુફ્તીએ તાજેતરમાં જ કહ્યું હતું કે, હું જમ્મુ-કાશ્મીર ઉપરાંત બીજો કોઈ રાષ્ટ્રધ્વજ નહીં ઉઠાવું. જ્યારે અમારો એ ધ્વજ પાછો આવશે ત્યારે અમે તે (ત્રિરંગો) ધ્વજને પણ ઉઠાવશું. પરંતુ જ્યાં સુધી અમારો ધ્વજ ડાકુઓ પરત નહીં આપે ત્યાં સુધી અમે અન્ય કોઈ ધ્વજ હાથમાં નહીં ઉઠાવીએ.SSS