ભાજપે મમતાની સામે પ્રિયંકા ટિબરીવાલને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યાં

કોલકતા, પશ્ચિમ બંગાળની ભવાનીપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી નક્કી કરવામાં આવી છે. એક તરફ મમતા બેનર્જી આજે ભવાનીપુરમાં ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે, જ્યારે ભાજપે મમતાની સામે પ્રિયંકા ટિબરીવાલને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. એવી પણ અટકળો હતી કે ભાજપ આ બેઠક પરથી કોઈ સિનિયર નેતાને મેદાનમાં ઉતારશે, પરંતુ પાર્ટીએ મહિલા કાર્ડ પર જ વિશ્વાસ રાખ્યો છે.
મમતા બેનર્જીની વિશ્વસનીયતા અને સીએમ પદ પર યથાવત રહેવા માટે આ પેટાચૂંટણી ખૂબ જ મહત્વની છે. મે મહિનામાં વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં તેમને નંદીગ્રામ બેઠક પર હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ પણ તેઓ મુખ્યમંત્રી બન્યા. આવી સ્થિતિમાં મુખ્યમંત્રી બન્યાના ૬ મહિનાની અંદર તેમના માટે ધારાસભ્ય બનવું જરૂરી છે. એટલા માટે ભવાનીપુરની પેટાચૂંટણી મમતા બેનર્જી માટે ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે.ભાજપે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. ટિબરીવાલ ઉપરાંત જંગીપુરથી સુજીત દાસ અને સમરેસગંજથી મિલન ઘોષની ઉમેદવારી પણ જાહેર કરવામાં આવી છે.
પ્રિયંકા ટિબરીવાલ ભાજપના નેતા બાબુલ સુપ્રિયોની કાનૂની સલાહકાર રહી ચૂકી છે, તેઓ સુપ્રિયોની સલાહ બાદ જ ઓગસ્ટ ૨૦૧૪ માં
ભાજપમાં જાેડાયા હતા. ૨૦૧૫માં તેણે ભાજપના ઉમેદવાર તરીકે વોર્ડ નંબર ૫૮ (એન્ટલી) માંથી કોલકાતા મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણી લડી હતી, પરંતુ તૃણમૂલ કોંગ્રેસના સ્વપન સમદાર સામે હારી ગઈ હતી.
હાલમાં જ એક ખાનગી ચેનલ સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે ‘પાર્ટીએ મારી સલાહ લીધી હતી અને મારો અભિપ્રાય પણ માંગ્યો હતો કે હું ભવાનીપુરથી ચૂંટણી લડવા માંગુ છું કે નહીં. ભવાનીપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં મને ઉમેદવાર તરીકે જાહેર કરતાં હું મારી પાર્ટીના સિનિયર નેતાઓનો આભાર વ્યક્ત કરું છું.HS