ભાજપે રાજ્યમાં સ્થિર શાસન આપ્યું : મોદી
જમશેદપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચારનો દોર જારી રાખ્યો હતો. ભાજપના ઉમેદવારના સમર્થનમાં જમશેદપુરમાં આયોજિત રેલીમાં પ્રદેશની અગાઉની સરકારો ઉપર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ઝારખંડમાં પહેલા એટલી ઝડપથી સિઝનમાં પણ ફેરફાર થતો ન હતો જેટલી ઝડપથી મુખ્યમંત્રી બદલાઈ જતાં હતા. કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચા આના માટે જવાબદાર હતા. કોંગ્રેસ અને જેએમએમના તકવાદી ગઠબંધનના કારણે અહીંની સ્થિરતા સામે ખતરો ઉભો થયો હતો જેથી લોકો અહીં મુશ્કેલીમાં મુકાયા હતા. અવસરવાદી ગઠબંધન અહીં સ્થિર સરકાર ઇચ્છતા ન હતા. પોતાના સ્વાર્થ અને ભ્રષ્ટાચાર માટે કોંગ્રેસ અને જેએમએમ દ્વારા મુખ્યમંત્રી પદની ખુરશી સુધીના સોદા પણ કરી દેવામાં આવ્યા હતા.
ભાજપે અસ્થિરતાના દોરમાં બ્રેક મુકી છે અને પ્રથમ વખત ઝારખંડમાં પાંચ વર્ષ સુધી એક જ મુખ્યમંત્રી રહ્યા છે. આજ સ્થિર કારણે નક્સલવાદ ઉપર પ્રભાવી કાર્યવાહી કરવામાં આવી છે. સાથે સાથે બિઝનેસ માટે સાનુકુળ માહોલ બની ગયો છે. મોદીએ આ ગાળા દરમિયાન કલમ ૩૭૦ અને રામ જન્મભૂમિના મુદ્દાને પણ જારદારરીતે ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, સ્વતંત્રતા બાદથી દેશના દરેક વિસ્તારમાં જમ્મુ કાશ્મીર અને કલમ ૩૭૦ને લઇને ચર્ચાઓ ચાલી રહી હતી. બંધારણમાં ૩૭૦ને અસ્થાયી તરીકે લખવામાં આવી હતી પરંતુ એક ટોળકી તેને સ્થાયી બનાવવાના કામમાં લાગેલી હતી.
તેમણે કહ્યું હતું કે, દેશની જનતાએ મોદીને કઠોર નિર્ણય લેવા માટે મોકલ્યા છે જેથી દશકોથી લટકેલા કલમ ૩૭૦ સહિતના કઠોર નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. રામ જન્મભૂમિ વિવાદ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ કાવતરા ઘડીને રામજન્મ ભૂમિના મામલાને અટકાવી દીધો હતો.