ભાજપે વડાપ્રધાન મોદીની ભત્રીજીને ટિકિટ ન આપી
અમદાવાદ: હાલ સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ભાજપે ૬ મહાનગરપાલિકામાં ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી હતી. પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદીના પુત્રી સોનલ મોદીએ કોર્પોરેશનની ટિકિટ માંગી હતી. પરંતુ તેમને ટિકિટ આપવામાં આવી નથી.
સોનલ મોદીએ બોડકદેવ વોર્ડમાંથી ટિકિટ માંગી હતી. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીના ભાઈ અને સોનલ મોદીના પિતા પ્રહલાદ મોદી રેશનિંગ દુકાનોના સંચાલક મંડળના પ્રમુખ છે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે જાહેરાત કરી હતી કે, પાર્ટી નેતાના એકેય સંબંધીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ નહિ મળે. આ ચૂંટણીઓમાં પક્ષ ૬૦ વર્ષથી મોટી વયના સાંસદો-ધારાસભ્યો, ત્રણ ટર્મથી જીતતા ઉમેદવારો તેમજ નેતાઓનાં સગાંને ટિકિટ નહીં આપે.
પરંતુ તેમ છતા આ નિયમોથી ઉપરવટ જઈને અનેક નેતાઓના સંબંધીને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે અનેક બેઠકો પર આ નિયમને નેવે મૂકીને ટિકિટ ફાળવી છે. તો કેટલાક વિસ્તારોમાં ૬૦ વર્ષની વય વટાવી ચૂકેલા નેતાઓને પણ ટિકિટ ફાળવાઈ છે. અનેક નેતાઓના સગાવ્હાલાઓને પણ સાચવી લેવાયા છે.
પૂર્વ મેયર અમિત શાહના પુત્ર અને ખાડિયાના પૂર્વ ધારાસભ્યના પુત્રને ટિકિટ આપવામાં આવી નથી. બંનેએ ટિકિટ માંગી હતી. જ્યારે વડાપ્રધાન મોદીની ભત્રીજી સોનલ મોદીએ પણ ટિકિટ માંગી હતી. છતાં ટિકિટ આપવામાં આવી નથી. તો બીજી તરફ ગત ટર્મના કોર્પોરેટર અતુલ પટેલના પુત્રને તેમજ પૂર્વ મેયર કાનાજી ઠાકોરના ભત્રીજાને ટિકિટ અપાઈ છે.
તેમજ અમિત શાહના ખાસ મનાતા હિતેશ બારોટને થલતેજમાંથી ટિકિટ મળી છે. આમ અનેક બેઠકો પર પાર્ટીનો પક્ષપાત દેખાઈ રહ્યો છે. સોનલ મોદીએ બોડકદેવમાં બક્ષીપંચ મહિલા અનામત બેઠક માટે દાવેદારી કરી હતી. સોનલ મોદીએ અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકાનું ઈલેક્શન લડવા માટે ગુજરાતમાં સત્તારુઢ ભાજપમાંથી ટિકિટ માંગી હતી.
સોનલ મોદીએ આ વિશે કહ્યું હતું કે, ભાજપા કાર્યકર્તા હોવાના નાતે તેમણે આ ટિકિટ માંગી છે. પ્રધાનમંત્રીના સંબંધી હોવાના નાતે તેમણે ટિકિટ નથી માંગી. સોનલ મોદીએ દાવો કર્યો હતો છે કે, તેઓ નામાંકનના તમામ માપદંડોને પૂરા કરે છે. તેમ છતાં તેઓને ટિકિટ અપાઈ નથી.